ભચાઉ નજીક આવેલા ખેરાઈ ગામ નજીક સવારે બે યુવકો વચ્ચે જૂના મનદુઃખના કારણે માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા યુવાને અન્ય યુવાન ઉપર દેશી તમંચામાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કરતા ગંભીર રીતે ઈજા પામ્યો હતો. જેને પ્રાથમિક સારવાર ભચાઉની હોસ્પિટલમાં અપાવી વધુ સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

કચ્છના ભચાઉ નજીક આવેલા ખેરાઈ ગામે આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં ખારોઈ-મેઘપર વચ્ચે આવેલી નર્મદા કેનાલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ચોબારી ગામના સામજી વિસા વરચંદેએ જૂની મનદુઃખનો ખાર રાખીને માવજી ભુરા વરચંદ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જેમાં ઉશ્કેરાયેલા યુવાને સામે રહેલા 28 વર્ષના યુવાન ઉપર દેશી તમંચામાંથી ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગની ઘટનામાં માવજી ભુરા વરચંદ નામનો યુવાન ઈજાગ્રસ્ત થતા તેને પ્રાથમિક સારવાર ભચાઉની વાગડ વેલ્ફેરમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાન અત્યારે બેભાન અવસ્થામાં હોય તે ભાનમાં આવતા શા માટે ફાયરિંગ કરાયું સહિતના મુદ્દે પુછપરછ હાથ ધરાશે. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીઓની ભાળ મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

