ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ એશિઝ શ્રેણીમાં હરીફાઈના અભાવ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને બિગ બેશ લીગ (BBL)ને જવાબદાર ઠેરવ્યા છે. મેકગ્રાના મતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ આ લીગમાં એકબીજા સામે રમે છે. તેથી જ તેમની વચ્ચે કોઈ સ્પર્ધા નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ અત્યારે એશિઝ શ્રેણીમાં આગળ ચાલી રહી છે. કાંગારૂ ટીમે પ્રથમ બે મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું છે.
બંને ટીમો વચ્ચે તા.26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે તો સીરિઝ પોતાના નામે કરી લેશે. ગ્લેન મેકગ્રાના મતે આ શ્રેણીમાં ઈંગ્લેન્ડ તરફથી કોઈ આક્રમકતા જોવા મળી નથી. તેમણે કહ્યું કે IPL અને BBLને કારણે ખેલાડીઓ એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. આ કારણે ફિલ્ડમાં તેની બોડી લેંગ્વેજ પર ઘણી અસર થઈ છે. એમણે પણ કહ્યું કે, IPL અને બિગ બેશ લીગના કારણે આ ખેલાડીઓ એકબીજાને સારી રીતે ઓળખે છે.

તમે જોશો કે બેટ્સમેન અને બોલરો એકબીજાની મજાક ઉડાવતા રહે છે. હું મેદાન પર ખેલાડીઓમાંથી તે જુસ્સો અને લાગણી જોવા માંગુ છું. હું ખેલાડીઓ વચ્ચે જોરદાર લડાઈ અને ઝનુન જોવા માંગુ છું. હવે પેટ કમિન્સ પણ વાપસી કરી રહ્યો છે. જેમ્સ એન્ડરસનને જોઈને લાગે છે કે તેની ગતિ ઓછી થઈ ગઈ છે અને બોલ સ્વિંગ નથી થઈ રહ્યો. ટૂંકમાં ખેલાડી ઢીલો પડી રહ્યો છે એવું સિનિયર્સ કહે છે.
આ એશિઝ સિરીઝમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું ખરાબ રહ્યું છે. ટીમના બેટ્સમેન અને બોલર બંને સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા છે. બીજી તરફ ઈન્ડિયાની ટીમ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ પાંચ બોલર્સ સાથે મેદાન પર ઉતરશે. રહાણે, વિહારી તથા શ્રેયસ ઐય્યરમાંથી કોઈ એકની પસંદગી કરવી ખૂબ મુશ્કેલ છે. આ અંગે કે.એલ. રાહુલે એવું કહ્યું કે, દરેક ટીમ જીતના ઈરાદાથી મેદાને ઊતરે છે. અમારી રણનીતિ પણ આવી જ છે. બોલિંગમાં ચોથો પેસ બોલર હશે. પાંચ બોલર્સને કારણે ઓવર્સ મેનેજમેન્ટમાં થોડી રાહત થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે.

