વીજકંપની પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં વીજગ્રાહકો માટે ઓનલાઈન બિલ ભરવામાં સરળતા રહે તે માટે નવી સેવા લાગુ કરશે. દરેક વીજગ્રાહકોને બિલમાં QR કોડ આપવામાં આવશે, આ કોડ મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ જે-તે ગ્રાહકની બિલની રકમ સહિતની વિગતો ઓટોમેટિક આવી જશે અને ગ્રાહક વીજબિલ સરળતાથી ઓનલાઈન ભરી શકશે.
પીજીવીસીએલ દ્વારા કયુઆર કોડ સહિત અન્ય જુદી જુદી સેવાઓ સંભવત: નવા વર્ષથી અમલી કરવા જઈ રહ્યું છે જેમાં ગ્રાહકો પોતાનું વીજબિલ જુદી જુદી ઓનલાઈન પધ્ધતિથી ભરી શકશે. RTGS/NEFT/EFT પધ્ધતિમાં ગ્રાહક પોતાના વીજબિલના ચૂકવણા પોતાની બેંકના નેટ બેન્કિંગ અથવા બેંક મારફત કરી શકે છે, ગુજરાત સરકારના ગુડ ગવર્નન્સના ભાગરૂપે પીજીવીસીએલ ઘેર બેઠા વીજબિલનું ડિજિટલ પેમેન્ટ કરવા માટે જુદી જુદી સુવિધા આપશે. દરેક ગ્રાહકને હવે આવનારા નવા બિલમાં QR કોડ આપવામાં આવશે.

આ ઉપરાંત હાલ પીજીવીસીએલ દ્વારા વીજબિલની રકમ ECS દ્વારા બેંક ખાતામાંથી ઓટો ડેબીટ કરીને કોઇપણ જાતની અન્ય પ્રોસેસ વગર જ પેમેન્ટ કરી શકાશે. આ માટેનું ફોર્મ https://www.pgvcl.com/consumer/PAYMENT OPTIONS/ECS APP FORM.pdf પરથી ડાઉનલોડ કરીને નજીકના પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીમાં વીજ બિલની નકલ તેમજ કેન્સલ ચેક સાથે જમા કરાવીને દર વખતે વીજબિલ પેમેન્ટ ખાતામાંથી થશે.

