HomeGujaratવાહ ગૃહ રાજ્યમંત્રી વાહ..હેડ ક્લાર્ક પરીક્ષા રદ કરવાની જાહેરાત તો કરી પણ...

વાહ ગૃહ રાજ્યમંત્રી વાહ..હેડ ક્લાર્ક પરીક્ષા રદ કરવાની જાહેરાત તો કરી પણ અસિત વોરા મુદ્દે નરો વા કુંજરો વા 

અલ્પેશ પટેલ, ગાંધીનગર, મંગળવાર

  ગૌણ સેવા મંડળનું હેડક્લાર્કનું પેપર લીક થયા બાદ આખરે આ પરીક્ષા રદ કરવાની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી જાહેરાત તો કરી દીધી હતી પણ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ અસિત વોરા મુદ્દે એક શબ્દ પણ ઊચ્ચારી શક્યા નહોતા જે અચરજ પમાડે તેવું હતું. પત્રકારોએ અસિત વોરાના રાજીનામા મુદ્દે અને અસિત વોરા સામે તપાસ થશે કે કેમ તેવા સવાલોનો મારો ચલાવ્યો ત્યારે હર્ષ સંઘવીએ કોઈ જ ઉત્તર આપ્યો નહોતો અને રાજ્યના 88 હજાર પરિવારોની ચિંતા કરતા જાેવા મળ્યા હતા.

  પેપરલીક કાંડમાં અત્યાર સુધી પોલીસે 14 આરોપીઓ પકડ્‌યા છે એ સારી બાબત છે પણ આ જે પકડાયા છે એ તો માત્ર દલાલો અને પરીક્ષાર્થીઓ જ છે ત્યારે આ કાંડમાં ગૌણ સેવા મંડળની એવી કઈ ભેદી વ્યક્તિ છે તે બહાર આવે તેવું 88 હજાર પરિવારો જ નહી પણ ગુજરાતની સાડા છ કરોડની જનતા જાેવા ઈચ્છી રહી છે. પેપરલીક કાંડમાં પહેલેથી જ ચેરમેન અસિત વોરાની ભૂમિકા શંકાસ્પદ રહી છે. પેપરલીક થયા બાદ યુવરાજસિંહે પુરાવા આપ્યા હોવા છતાં અસિત વોરા એવો બચાવ કરતા હતા કે હજુ અમને કોઈ ઠોસ પૂરાવા મળ્યા નથી. સમગ્ર કાંડનો રેલો પોતાના પગ નીચે આવતો દેખાતાં અસિત વોરાને સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કરીને કહેવું પડ્યું હતું કે, પેપર લીક થયું છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 88 હજાર પરિવારોની ચિંતા કરી એ સારી બાબત છે પણ અસિત વોરાના મુદ્દે તેઓ એક શબ્દ બોલી શક્યા તે અનેક શંકા ઉપજાવી રહ્યું છે.

  ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાએ જે પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાવવા આપ્યું તે સાણંદમાંથી પેપર લીક થયું છે અને પ્રિન્ટિંગ હેડનો સુપરવાઈઝર કિશોર આચાર્ય અને તેની સાથે અન્ય બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પણ તપાસનો રેલો હજુ કેમ આગળ વધતો નથી તે ચર્ચાનું કેન્દ્ર છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાની ભૂમિકા હજુ ય શંકાસ્પદ છે અને રાજ્ય સરકાર હજુ ય અસિત વોરાને બચાવી રહી છે. કેમ અસિત વોરાની ઉલટ તપાસ કરવામાં આવતી નથી, કેમ અસિત વોરાના કોલ ડિટેલ્સની તપાસ કરવામાં આવતી નથી, રાજ્ય સરકાર માટે એવી તો કઈ મજબૂરી છે કે અસિત વોરાને છાવરવા પડી રહ્યા છે, અસિત વોરા દૂધે ધોયેલા હોય તો પછી કેમ પેપરલીકના પૂરાવા આપ્યા પછી પણ પત્રકારોના સવાલોથી ભાગતા નજરે પડતા હતા, અસિત વોરા પેપરલીક કાંડમાં સંડોવાયેલા હોવાનું જગજાહેર ચર્ચાઈ રહ્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી 88 હજાર પરિવારો પ્રત્યે સહાનુભૂતિ છે તેવી સૂફિયાણી સલાહ આપીને છટકી રહ્યા છે. 

  હેડ ક્લાર્કની પરીક્ષા જ નહી અન્ય પરીક્ષાઓ માટે પણ રાજ્યભરમાંથી અનેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરોમાં આવીને રહે છે. આવા ઉમેદવારોના માતા-પિતા પેટે પાટા બાંધી પોતાનો દીકરો કે દીકરી સરકારી નોકરી મેળવે તેની આશા રાખે છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે, વારંવાર પેપર લીક થઈ રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રીએ આસાનીથી કહી દીધું કે, હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે પણ એ 88 હજાર પરિવારોનું હવે શું કે જેમના પુત્ર કે પુત્રી માટે દેવા કરીને પણ ગાંધીનગર, અમદાવાદ મોકલ્યા હતા. હવે તેમણે ફરીથી તૈયારી કરવા માટે દેવા કરવાના તે વિશે કોઈએ વિચાર્યું નથી.

  ગૃહ રાજ્યમંત્રીએ સૂફિયાણી વાતો કરી કે, ખૂબ જ ટૂંકાગાળામાં ગૌણ સેવા મંડળ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કોઈને પણ અન્યાય થવા નહી દઈએ અને નિષ્પક્ષ રીતે પરીક્ષા લેવામાં આવશે. જાે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષિત ઉમેદવારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે પણ ગૌણ સેવા મંડળ ઉપર માછલા ધોવાય છે અને તેના ચેરમેન અસિત વોરા મામલે નરો વા કુંજરો વા કર્યું છે એ સત્ય હકીકત છે. ગૃહ રાજ્યમંત્રી બોલ્યા કે, ૩૬૦ ડીગ્રીએ તપાસ થશે અને આ કેસમાં 70 કે 700 પણ હશે તો પણ તેમણે છોડવામાં આવશે નહી પણ ગૌૈણ સેવા મંડળના પત્રકારોના સવાલો સામે કેમ કંઈ બોલ્યા નહી એ મુદ્દો ચર્ચાની એરણે છે.

  પહેલેથી જ ગૌણ સેવા મંડળની આ કાંડમાં ભેદી ભૂમિકા રહી છે અને લાખો યુવાનો અસિત વોરા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ભાજપનું પીઠ્ઠુ બનેલા અસિત વોરાને બચાવવા માટે ભાજપ સરકારના મંત્રીઓ ક્લીનચીટ આપીને બુદ્વિનું પ્રદર્શન કરી રહ્યા છે. અસિત વોરાની તપાસ માટે કેમ સીટની રચના કરવામાં આવતી નથી, અસિત વોરાને કેમ ચેરમેનપદેથી હટાવવામાં આવતા નથી, એક બે નહી પણ નવ નવ પેપરો લીક થઈ ચૂક્યા છે અને તેની આંગળી અસિત વોરા સામે ચિંધાઈ રહી છે તેમ છતાં રાજ્ય સરકારના મંત્રીઓને અસિત વોરા પ્રત્યે પ્રેમ ઉભરાય છે અને અસિત વોરાને ક્લીનચીટ આપી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી તમે તો જાહેરાત કરી દીધી કે, હેડ ક્લાર્કની પરીક્ષા માર્ચમાં લેવાશે પણ હવે ઉમેદવારોને ફરીથી એકડો ઘૂંટવાનો આવશે તેની ચિંતા કરી ખરી, ઉમેદવારોને ફરીથી રાત-દિવસ ઉજાગરા કરવાના તેની ચિંતા કરી ખરી, ઉમેદવારોના માતા-પિતાએ ફરીથી લોનો લેવી પડશે તેની ચિંતા કરી ખરી. મીડિયા સામે આવીને 88 હજાર પરિવારોની ચિંતા કરવી એ અલગ બાબત છે અને આવા પરિવારોને મળીને તેમની આપવીતી સાંભળવી એ અલગ વાત છે.

  ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાને હટાવવા ઉમેદવારોની માગણી બુલંદ હોવા છતાં પણ લોકરોષને ઉપરવટ જઈને સરકાર અસિત વોરાને છાવરી રહી છે જે આગામી સમયમાં ભાજપની સરકાર માટે આત્મઘાતી સાબિત થશે તો નવાઈ જેવું લાગશે નહી તેવું. અસિત વોરા સામે કોઈ જ પગલા લેવાની વાત ક્યાંય આવતી નથી એ મોટું આશ્ચર્ય ઉપજાવે છે અને એનાથી વધારે આશ્ચર્ય તો ત્યારે થાય છે કે, ગૃહ રાજ્યમંત્રી અસિત વોરાનો સવાલ સાંભળીને પોતાનો જવાબ જ બદલી નાખે છે અને 88 હજાર પરિવારોની ચિંતા કરવાનું કહે છે. કેમ અસિત વોરાની હકાલપટ્ટી કરવામાં આવતી નથી, કેમ અસિત વોરાને વારંવાર છાવરવામાં આવી રહ્યા છે તેનો સવાલ સરકાર પાસે પણ નથી. હવે ફરીથી માર્ચમાં ગૌણ સેવા મંડળ અને અસિત વોરા જ હેડ ક્લાર્કની પરીક્ષા લેશે તે ગુજરાત માટે કલંકીત ઘટના છે. જેની સામે શંકાની સોય તકાય છે અને શંકાના દાયરામાં જેનું નામ આવે છે પણ તેની સામે કોઈ જ તપાસ કરવામાં આવતી નથી. અસિત વોરાને સમગ્ર પેપરકાંડમાં હેમખેમ બચાવી લેવાની ફિલ્મી સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ચૂકેલી છે. 

અસિત વોરા સામે તપાસ કરો : પાસ
  હેડક્લાર્ક પેપરલીક કાંડમાં ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે પણ રાજ્ય સરકાર અસિત વોરાને બચાવી રહી છે. અસિત વોરા રાજીનામું આપે તે મામલે ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકારને લાગી રહ્યું છે કે, અસિત વોરા નિર્દોષ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણીયાએ કહ્યું કે, નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી એ સારી બાબત છે પણ અસિત વોરા મામલે શું કર્યું એ જણાવો. અસિત વોરાને કેમ ચેરમેનપદેથી દૂર કરવામાં આવતા નથી તે રહસ્ય ઉપજાવે છે. અસિત વોરા સામે આક્ષેપો થયા છે ત્યારે રાજ્ય સરકાર અસિત વોરાને બચાવીને શું સિદ્વ કરવા માંગે છે. 

નાની માછલીઓ પકડીને સંતોષ 
  હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં પોલીસે અત્યાર સુધી જે 15 આરોપી પકડ્યા છે તે માત્રને માત્ર નાની માછલીઓ છે. આ નાની માછલીઓ ઉપર મોટી માછલીઓ જરૂર હોઈ શકે છે પણ પોલીસના લાંબા હાથ હવે ટૂંકા પડી જશે તેમાં બેમત નથી. તપાસનો રેલો ગૌણ સેવા મંડળ તરફ નહી જાય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ગૌણ સેવા મંડળ દૂધે ધોયેલું નથી અને તેની પણ તપાસ થવી જાેઈએ પણ તે થતું નથી એ કમનસીબી છે. અસિત વોરા કે જેમની સામે આંગળી ચીંધાઈ છે પણ તેમણે આ કાંડમાં બેદાગ બચાવી લેવા માટે રાજ્ય સરકાર મેદાનમાં આવી ચૂકી છે. 88 હજાર પરિવારો નહી પણ ગુજરાતની સાડા છ કરોડ જનતા બધું જાેઈ રહી છે, પ્લીઝ જનતાને બેવકૂફ ન બનાવશો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW