ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઇનની દાણચોરી કરવાનો સતત પાકિસ્તાનના હેરોઇન કાર્ટેલ્સ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. જો કે, ગુજરાત પોલીસ દ્વારા આવાં પ્રયાસોને સતત નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે અને કાર્ટેલો દ્વારા મોકલવામાં આવેલ તમામ કન્સાઇનમેન્ટ સફળતાપૂર્વક જપ્ત કરવામાં આવે છે તેમજ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવે છે.ત્યારે ફરીથી આજે રાજ્યમાં ડ્રગ્સ ઝડપાયું છે. ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હોવાના અહેવાલ આવ્યા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું સંયુક્ત ઓપરેશન હતું. જેને મોટી સફળતા મળી છે.
ડ્રગ્સ સહીત જે બોટ પકડવામાં આવી છે એ પાકિસ્તાનની હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડની આ માહિતી ANI દ્રારા ટ્વિટ કરીને આપવામાં આવી છે. તો હાલ સમગ્ર કેસમાં હાલ 6 લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે.કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. 400 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીને પકડવામાં આવ્યા છે. ડ્રગ્સ માફિયાની ધરપકડ બાદ હવે આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત દરિયાકાંઠેથી વધુ એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનો દરિયાકાંઠો હવે ડ્રગ્સની હેરાફેરી કરવાનું એપી સેન્ટર બની રહ્યું છે, ત્યારે કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. એટલું જ હીં, ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર હમણાંથી જબરું ફાલ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાની ઘટનાઓ એક પછી એક ખુલી રહી છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કરોડો રૂપિયાનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે. છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાઈ રહ્યો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે.તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયા કાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021 માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.
ગુજરાત પોલીસ ભવિષ્યમાં પણ આવાં પ્રયાસોનો સામનો કરવા કટિબદ્ધ
ગુજરાતના દરિયાકાંઠે થઇ રહેલા આવાં તમામ પ્રયાસોની સંખ્યામાં વધારા માટે વિવિધ ભૌગોલિક તથા રાજકીય કારણો જવાબદાર છે. ત્યારે ગુજરાત પોલીસ ભવિષ્યમાં પણ આવાં પ્રયાસોનો સામનો કરવા કટિબદ્ધ છે. જેથી આ તમામ કન્સાઇનમેન્ટની સતત જપ્તી અને આરોપીઓની ધરપકડ દ્વારા અસરકારક રીતે આ પ્રકારના પ્રયાસો નેસ્તોનાબૂદ કરી આ કાર્ટેલોની કમર તોડી નખાશે.

