મોરબી તાલુકાના તળાવીયા-શનાળા ગામની સીમમાં આવેલી અવાવરું જગ્યાએથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 2,856 બોટલ વિદેશી દારૂ તથા બોલેરો મેકસ વાહન સહિત કુલ રૂ. 11,84,660નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન તથા જુગાર અંગે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, તળાવીયા ગામની સીમમાં થીઓસ સિરામિકની બાજુમાં આવેલી અવાવરું જગ્યામાં અંધારામાં કોઈ ઇસમ વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી તેની હેરફેર કરવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે અને જથ્થો સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા વિદેશી દારૂની કુલ 2,856 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 6,84,660 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત મહિન્દ્રા કંપનીની બોલેરો મેકસ, રજીસ્ટ્રેશન નંબર GJ-36-V-6873, કિંમત રૂ. 5,00,000, પણ કબજે કરવામાં આવી હતી.
આમ, પોલીસે કુલ રૂ. 11,84,660નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

