ળકોના શિક્ષણ, આરોગ્ય અને સંભાળ માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાઈ રહ્યો છે
મોરબી, તા. 31 ઓગસ્ટ: મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અનાથ, નિરાધાર અને સંભાળ-રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ, આર્થિક સહાય અને સુરક્ષા મળી રહે તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લામાં પાલક માતા-પિતા યોજના હેઠળ 437 અનાથ બાળકોને દર મહિને રૂ.3,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ બાળકોના શિક્ષણ અને સંભાળના ખર્ચ માટે ઉપયોગી બની રહી છે.
કોરોના મહામારી દરમિયાન માતા અથવા પિતા પૈકી કોઈ એકને ગુમાવનારા 433 બાળકોને દર મહિને રૂ.2,000ની સહાય આપવામાં આવી રહી છે. આ સહાય બાળક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી તેના અભ્યાસ માટે આપવામાં આવે છે.
સંસ્થાકીય સંભાળમાંથી પરિવાર સાથે પુનઃસ્થાપિત કરાયેલા સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા 46 બાળકોને પણ દર મહિને રૂ.3,000ની સહાય મળી રહી છે. આ સહાય શિક્ષણ અને દૈનિક સંભાળ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત એચ.આઈ.વી.થી અસરગ્રસ્ત બાળકો અથવા તેમના માતા-પિતા પૈકી કોઈ એક અસરગ્રસ્ત હોય તેવા 64 બાળકોને ધોરણ પ્રમાણે શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે.
જિલ્લામાં સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા 133 બાળકોને સંસ્થાકીય આશ્રય પણ આપવામાં આવ્યો છે. અહીં બાળકોને શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સુરક્ષા સહિતની વિવિધ જરૂરી સુવિધાઓ સાથે સંભાળ પૂરી પાડવામાં આવે છે.
પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ 18 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ લગ્ન કરે ત્યારે તેમના નવા ગૃહસ્થ જીવનની શરૂઆત સરળ બને તે માટે રૂ.2 લાખની લગ્ન સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ મોરબી જિલ્લાની 12 દીકરીઓને કુલ રૂ.24 લાખની સહાય આપવામાં આવી છે.
મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જરૂરિયાતમંદ બાળકો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડીને તેમના શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

