મોરબી તાલુકાના સીમ વિસ્તારમાં પરપ્રાંતીય ખેત મજૂર પરિવારોને નિશાન બનાવી લૂંટ અને મહિલાઓ પર અત્યાચાર આચરનાર ગેંગના મુખ્ય આરોપીની મોરબી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી બે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટનાઓ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, દેવીપુજક ગેંગના પાંચ સભ્યો રાત્રિના સમયે ખેતરોમાં કામ કરતા અને ત્યાં જ વસવાટ કરતા પરપ્રાંતીય ખેત મજૂરોને લૂંટવાના ઇરાદે પહોંચ્યા હતા.
આરોપીઓએ ખેત મજૂરોને છરી અને અન્ય હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટ દરમિયાન કિંમતી દાગીના ન મળતાં, ગેંગે એક જ રાત્રે બે અલગ-અલગ સ્થળોએ મહિલાઓ સાથે તેમના પરિવારજનોની હાજરીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ અત્યંત ગંભીર અને સંવેદનશીલ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓ તેમજ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા એક કિશોરને ટૂંકા સમયમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાણીયા (રહે. માથક, તા. હળવદ, જી. મોરબી) ઘટના બાદથી ફરાર હતો.
મુખ્ય આરોપીની ધરપકડ માટે મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો શાખાની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, માનવ સૂત્રો અને ગુપ્ત બાતમીના આધારે સતત તપાસ હાથ ધરી હતી. અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતી અનુસાર આરોપી ધ્રોલથી ભાદરા પાટિયા માર્ગે આમરણ તરફ મોટરસાયકલ પર આવવાનો હતો. બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન આરોપી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

