મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે, જેતપરથી દેવળીયા જતા માર્ગ પર જેતપર ગામની સીમ વિસ્તારમાં આવેલ પડતર ખરાબામાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં રણજીતભાઈ મનસુખભાઈ કોરડીયા, અભયભાઈ ભગવાનજીભાઈ અઘારા, અશ્વિનભાઈ હીરજીભાઈ ભટાસણા, ધર્મેન્દ્રભાઈ ગોકળભાઈ કોળી, માનસીંગભાઈ દેવાભાઈ સોમાણી, નિપુલભાઈ જેન્તીભાઈ જાલરીયા, મયંકભાઈ તળશીભાઈ કાવર, રાહુલભાઈ મનહરભાઈ બોસીયા અને મેહુલભાઈ લાભુભાઈ દેત્રોજાનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 70,100 તેમજ 7 મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1,20,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ચાર શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા આરોપીઓમાં રાજુભાઈ કંડીયા, ઢેકરી અઘારા અને રૂપેશ ઉર્ફે રૂપો કલોલા અને શક્તિ કોળીનો સમાવેશ થાય છે.
પકડાયેલા અને ફરાર મળી કુલ 13 આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

