મોરબી-માળિયા નેશનલ હાઇવે પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. મોરબી-માળિયા હાઇવે પર ટીંબડી ગામ નજીક આવેલી હોટલ પાસે રવિવારે રાત્રિના સમયે જૂની માથાકૂટની અદાવત રાખી જુદી જુદી ત્રણ કારમાં આવેલા પાંચ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો સાથે ત્રણ રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનને તાત્કાલિક ખાનગી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો શાહરૂખ ફિરોજભાઈ પઠાણ નામનો યુવાન તેના બે મિત્રો આમદ કાસમ કટીયા અને મેહુલ આચાર્ય સાથે બેલા ગામથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેઓ મોરબી-માળિયા હાઇવે પર ટીંબડી ગામ નજીક આવેલી હોટલ પાસે પહોંચ્યા ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ત્રણ ગાડીઓમાં આવેલા હુમલાખોરોએ તેમને આંતરી લીધા હતા.
આશરે ૧૫ થી ૨૦ દિવસ પહેલાં થયેલી બોલાચાલી અને માથાકૂટનો મનમાં ખાર રાખીને આરોપીઓએ શાહરૂખ પઠાણ પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીઓએ પોતાની પાસે રહેલા હથિયારોમાંથી ત્રણ રાઉન્ડ સરાજાહેર ફાયરિંગ કરતા હાઇવે પર નાસભાગ મચી ગઈ હતી.
આ જીવલેણ હુમલામાં શાહરૂખ પઠાણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો. આ ચકચારી બનાવ અંગે ઇજાગ્રસ્ત શાહરૂખ પઠાણની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સાજીદ સાઉદીનભાઈ જેડા, નુર મામદ જેડા , સમીર જેડા, બચલો જેડા
૫. સ્વિફ્ટ કારમાં આવેલ એક અજાણ્યો શખ્સ સામે આઈ.પી.સી./બી.એન.એસ.ની હત્યાની કોશિશ (Attempt to Murder), ગુનાહિત કાવતરું રચવા તેમજ આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

