મોરબીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા મહિલાઓને સહાયરૂપ થવાની પરંપરાને જાળવી રાખી, ઘરેથી ભૂલા પડેલા એક અજાણ્યા મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી સીટી વિસ્તારમાં એક અજાણ્યા મહિલા લાંબા સમયથી એકલવાયા બેઠા હોવાની અને સરખા જવાબ ન આપતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર આપવામાં આવી હતી.
માહિતી મળતાની સાથે જ 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં મહિલા ખૂબ જ ગભરાયેલા જણાતા હતા, પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ વાતચીત કરતા માલૂમ પડ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને અહીં તેમની દીકરી સાથે મજૂરીકામ અર્થે રહે છે. કોઈને કહ્યા વગર મંદિરે દર્શન કરવા નીકળેલા આ મહિલા રસ્તો ભૂલી જવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. પરિવારજનો પણ તેમની માતાની શોધખોળ કરી રહ્યા હતા અને ચિંતિત હતા.
અભયમ ટીમે મહિલાએ જણાવેલા સરનામે પહોંચી તેમની દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાને સહી-સલામત સોંપ્યા હતા. વૃદ્ધાએ પણ હવે પછી ઘરે જાણ કર્યા વગર બહાર ન નીકળવાની ખાતરી આપી હતી. પરિવારે મુશ્કેલીના સમયે વહારે આવનાર 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

