સુરતના એક વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જેણે સમાજ અને પતિ-પત્નીના પવિત્ર સંબંધોને કલંકિત કરી દીધા છે. હીરાના કારખાનામાં કામ કરતા એક રત્નકલાકાર પતિએ દારૂના નશામાં ભાન ભૂલી પોતાની જ પત્નીને ત્રણ હૈવાન મિત્રોના હવાલે કરી દીધી હતી. પતિની હાજરીમાં જ પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર સુરત પંથકમાં ચકચાર મચી ગઈ છે. કાપોદ્રા પોલીસે આ મામલે પતિ સહિત ચારેય નરાધમો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગત મુજબ, ભોગ બનનાર ૨૫ વર્ષીય પરિણીતાએ યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંને વિસ્તારના એક ભાડાના મકાનમાં રહેતા હતા. પતિ હીરા ઘસવાનું કામ કરતો હતો, જેની સાથે તેના ત્રણ મિત્રો અજય, જગો અને ચિરાગ પણ અવારનવાર ઘરે આવતા-જતા હતા ગત મે-૨૦૨૫ની એક રાત્રે પતિએ તેના ત્રણેય મિત્રો સાથે ઘરમાં જ દારૂની મહેફિલ જમાવી હતી. નશામાં ચૂર પતિ અને તેના મિત્રોએ અચાનક પરિણીતા સાથે ગાળાગાળી કરી મારઝૂડ શરૂ કરી હતી. નરાધમોએ બળજબરીથી પરિણીતાને નિર્વસ્ત્ર કરી દીધી હતી. પતિની નજર સામે જ તેના ત્રણેય મિત્રોએ વારાફરતી પત્ની પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પાપમાં ખુદ પતિ પણ સામેલ થયો હતો.
આ ભયાનક ઘટના બાદ પરિણીતા સમાજ અને બદનામીના ડરે મૌન રહી અત્યાચાર સહન કરતી રહી. પરંતુ પતિની હેવાનીયત અહીં જ ન અટકી; તે અવારનવાર પત્નીને તેના મિત્રો સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો અને દબાણ લાવતો હતો. અંતે, પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ હિંમત ભેગી કરી ઘર છોડ્યું હતું અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી

