HomeGujaratવડોદરામાં સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી વધુ વાહનો ઉડાવ્યા

વડોદરામાં સગીરે પૂરઝડપે કાર હંકારી 3થી વધુ વાહનો ઉડાવ્યા

વડોદરા શહેરમાં મોડી રાત્રે એક સગીર દ્વારા પૂરઝડપે કાર ચલાવાતા અકસ્માતોની શ્રેણી સર્જાઈ હતી. ધોરણ-12માં અભ્યાસ કરતા આશરે 16 વર્ષના કિશોરે પિતાની કાર લઈને બહાર નીકળ્યા બાદ રસ્તા પર 3થી 4 વાહનોને અડફેટે લીધા હતા. આ દરમિયાન બાઈક પર 15 મહિનાના બાળક સાથે જઈ રહેલા માતા-પિતા તેમજ લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જઈ રહેલી માતા-પુત્રની એક્ટિવા સહિતના વાહનોને ટક્કર મારતા ચાર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ દોડતી કાર અંતે અમિતનગર બ્રિજ નીચે ટેમ્પો સાથે અથડાતા અટકી ગઈ હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા અને કારચાલક સગીર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વિફરાયેલા ટોળાએ સગીરને માર માર્યો હતો તેમજ કારમાં પણ તોડફોડ કરી હતી.

ઘટના સમયે હરણી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકસ્માત જોઈ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. જોકે રોષે ભરાયેલા ટોળાએ તેમને પણ ધક્કામુક્કી કરી બાઈકને નુકસાન પહોંચાડ્યું હતું. બાદમાં પોલીસ ટીમ પહોંચી સગીરને હરણી પોલીસ મથકે લઈ ગઈ હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, સગીર પોતાના પિતાની કાર લઈને આઈસ્ક્રીમ ખાવા માટે ઘરેથી નીકળ્યો હતો. તેના પિતા મુંબઈ ગયા હોવાથી તેણે માતાને પૂછ્યા વગર જ કાર લઈ બહાર નીકળી ગયો હતો. પોલીસે આ મામલે પરિવારજનોની પણ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા બાદ સગીર કાન પકડીને માફી માંગતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોમાં હજુ પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી હિના પટેલે જણાવ્યું હતું કે, તેઓ લગ્ન પ્રસંગ પૂરો કરીને શાંતિકુંજ સોસાયટી તરફ ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક ઝડપથી આવેલી કાર તેમની એક્ટિવાને અથડાઈ હતી. સદનસીબે મોટું નુકસાન ટળી ગયું હતું. જ્યારે ઉમંગ શાહે જણાવ્યું હતું કે તેઓ પત્ની અને 15 મહિનાના બાળક સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અમિતનગર સર્કલ નજીક કારે તેમની બાઈકને ટક્કર મારતા તેઓ પટકાઈને ઇજાગ્રસ્ત થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW