મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ ઉપર ગત ગુરુવારે રાત્રે હોર્ન મારવા જેવી સામાન્ય બાબતમાં એક સોની યુવાનની મોપેડમાં આવેલા બે સગીરોએ હત્યા કરી હતી.બનાવને પગલે શહેરમાં ભારે આક્રોશ ફેલાયો છે. મૃતક યુવાનની માત્ર ૧૧ માસની પુત્રી આ ઘટનાથી પિતાની છાત્ર છાયા ગુમાવી બેઠિ છે , જેના કારણે ઘટનાએ વધુ સંવેદનશીલ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે આવી ગંભીર ઘટનામાં સગીર હોય તો તેને પણ કડક સજા મળે તે પ્રમાણે કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે
મળતી માહિતી અનુસાર, સાઈડ માંગવા માટે હોર્ન વગાડવા જેવી નાની બાબતને કારણે ઉશ્કેરાયેલા બે સગીરે જતીન આડેસરા નામના યુવાન પર હુમલો કરી હત્યા કરી હતી. ઘટના બાદ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયું હતું કે આરોપીઓ સગીર હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા કિશોર ન્યાય અધિનિયમ મુજબ હાથ ધરવામાં આવશે.આ બાબતે શહેરમાં ચર્ચા અને અસંતોષનું માહોલ જોવા મળી રહ્યો છે. નાગરિકોનો સવાલ છે કે સામાન્ય બાબતે જીવ લેવાની ઘટનામાં સગીર હોવાનો લાભ મળવો જોઈએ કે નહીં? શું આવા બનાવોથી ખોટો સંદેશ સમાજમાં નહીં ફેલાય? મૃતકની ૧૧ માસની બાળકી અને તેની પત્નીને ન્યાય મળશે કે નહીં તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
સ્થાનિક આગેવાન કે ડી બાવરવાએ સરકાર પાસે માંગ કરી છે કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સગીરો માટે કાયદામાં કડક સુધારા કરવામાં આવે. તેઓએ ઉદાહરણ આપ્યું કે નિર્ભયા કાંડ બાદ તે સમયની મનમોહન સિંહ ની સરકાર દ્વારા કાયદામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા.
આ બાબતે હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ દ્વારા પણ સીએમને પત્ર લખવામાં આવ્યો છે અને , આવી ગંભીર ઘટનાઓમાં સગીર આરોપીઓ માટે પણ કડક સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

