મોરબી મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે. મિલકત વેરા શાખા દ્વારા અત્યાર સુધીમાં 76 મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે 376 બાકીદારોને વોરંટ જારી કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ બે રહેણાંક મિલકતોના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં કુલ 28 કરોડથી વધુની આવક થઈ છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, વર્ષ 2025-26 માટેના વિવિધ પ્રકારના ટેક્સના બાકી ઉઘરાવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારમાંથી 25.75 કરોડ અને ગ્રામ્ય તથા ક્લસ્ટર વિસ્તારમાંથી 2.45 કરોડની વસૂલાત કરવામાં આવી છે. આ દરમિયાન 18 બાકીદારોએ તેમના વેરા ભરી દીધા પછી તેમની મિલકતોનું સીલ ખોલી દેવામાં આવ્યું છે. હાલમાં 58 મિલકતો હજુ સીલ કરેલી છે.
આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. જેમાં 10,000 રૂપિયાથી વધુ બાકી વાળી રહેણાંક મિલકતોને વોરંટ આપવામાં આવશે અને જો વેરો નહીં ભરાય તો તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે. મિલકત વેરા શાખાના અધ્યક્ષે જણાવ્યું કે, “આ કાર્યવાહી 31 માર્ચ 2026 સુધી ચાલુ રહેશે અને તમામ બાકીદારોએ તેની નોંધ લેવી જોઈએ.”
મહાનગરપાલિકા દ્વારા બાકીદારોને વેરો ભરવા માટે અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ઓનલાઈન વેબસાઈટ https://mmcgujarat.in/ અને મોબાઈલ એપ્લિકેશન (Play Store પર Morbi Municipal Corporation સર્ચ કરી ડાઉનલોડ કરી શકાય) દ્વારા વેરો ભરી શકાય છે. આ ઉપરાંત, મુખ્ય કચેરી અને 11 ક્લસ્ટર ઓફિસોમાં વેરો સ્વીકારવામાં આવશે. ક્લસ્ટર ઓફિસોના સ્થળો આ પ્રમાણે છે: ક્લસ્ટર-1 (નાની વાવડી પંચાયત), ક્લસ્ટર-2 (અમરેલી પંચાયત), ક્લસ્ટર-3 (મહેન્દ્રનગર પંચાયત), ક્લસ્ટર-4 (ભડીયાદ પંચાયત), ક્લસ્ટર-5 (ત્રાજપર પંચાયત), ક્લસ્ટર-6 (ગ્રીનચોક લાઈબ્રેરી), ક્લસ્ટર-7 (વિશ્વકર્મ બાલ મંદિર, વાંકાનેર દરવાજા પાસે), ક્લસ્ટર-9 (શનાળા ગ્રામપંચાયત), ક્લસ્ટર-10 (રવાપર ગ્રામ પંચાયત), ક્લસ્ટર-11 (લીલાપર ગ્રામ પંચાયત).
મુખ્ય કચેરીમાં સવારે 10:30થી સાંજે 5:00 સુધી અને ક્લસ્ટર ઓફિસોમાં સવારે 10:30થી સાંજે 4:00 સુધી વેરો સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત, રૂમ નંબર 9માં POS મશીન દ્વારા પણ વેરો લેવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલમાં 1200 જેટલા બાકીદારોને માંગણા નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

