મોરબી 181 અભય મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે એક અજાણી મહિલા લાંબા સમયથી એકલી બેઠી છે અને રડતી હાલતમાં હોવાથી તેને તાત્કાલિક મદદની જરૂર છે. જાણ મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સિલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તથા પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ઘટના સ્થળે હાજર સજ્જન વ્યક્તિએ જણાવ્યું હતું કે, પીડિત મહિલા ઘણો સમયથી એકલી બેઠી હતી અને સતત રડી રહી હતી. ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ સંવેદનશીલ રીતે વાતચીત શરૂ કરી અને પ્રાથમિક વિગતો મેળવી. પીડિતાએ જણાવ્યું હતું કે પતિ સાથે ઝઘડો થયા બાદ પતિએ તેને રસ્તામાં એકલી મૂકી દીધી હતી.
ત્યારબાદ 181 અભયમ ટીમ પીડિત મહિલાના જણાવેલા સરનામે જઈ તેના પતિને મળી હતી. પતિનું કાઉન્સેલિંગ કરતા તેણે જણાવ્યું કે, પત્ની નાની બાબતોમાં ઝઘડો કરતી હોવાના કારણે બંને વચ્ચે મતભેદ થતા હતા. ટીમ દ્વારા પતિ-પત્ની બંનેને સમજાવી સલાહ-સૂચન, માર્ગદર્શન તથા જરૂરી કાયદાકીય માહિતી આપવામાં આવી હતી. ભવિષ્યમાં ઝઘડા ન થાય અને પત્નીનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તે અંગે પતિને સમજાવવામાં આવ્યું હતું.
અંતે 181 અભયમ ટીમની સમજાવટ બાદ પીડિત મહિલાનું તેના પતિ સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું અને મહિલાને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવી. આ સેવા બદલ પીડિત મહિલાના પતિએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

