વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય તેમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટ બ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે.
લકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ડ્રાઈવર ફસાયો હતો જેથી કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો.
લકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતના કારણે હાઇવે પર રેસ્ક્યુ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો.30 જાન્યુઆરી, 2026ની વહેલી સવારે વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા.

