HomeGujaratગોંડલ-આટકોટ હાઈવે રોડ પર કાર અકસ્માત, બેનાં મોત

ગોંડલ-આટકોટ હાઈવે રોડ પર કાર અકસ્માત, બેનાં મોત

ગોંડલ-આટકોટ હાઈવે પર આજે તા. 30 જાન્યુઆરીના વહેલી સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક કાર અંદાજે આઠ ફૂટ ઊંચા પુલ પરથી નીચે પટકાતા તેમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. અકસ્માત બાદ કારમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે અંદર બેઠેલા બે વ્યક્તિઓ બહાર આવી શકે તે પહેલાં જ જીવતા જ દાઝી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

મળેલી માહિતી મુજબ સાણથલી 108 એમ્બ્યુલન્સને વહેલી સવારે અકસ્માત અંગેનો કોલ મળ્યો હતો. હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર ઝડપી ગતિમાં હતી ત્યારે ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટી ગયો હતો. પરિણામે કાર રોડ પરથી નીચે ઉતરી પુલ નીચે ઊંધી પડી હતી. કાર ઊંધી પડતાની સાથે જ શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજ થવાથી આગ ફાટી નીકળી હતી. આગ ખૂબ જ ઝડપથી ફેલાતા કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો અવકાશ મળી શક્યો ન હતો.

અકસ્માતની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડ તેમજ 112 જનરક્ષક ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી. ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળી ચૂકી હતી. બાદમાં કારની અંદર તપાસ કરતા બે વ્યક્તિઓના માનવ અવશેષો મળી આવ્યા હતા, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

વહેલી સવારે હાઈવે પર રહેલા ઘાટા ધુમ્મસને કારણે દૃશ્યમાનતા ઓછી હોવી, અથવા ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવવાથી અકસ્માત સર્જાયો હોવાની શક્યતાઓ પર ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. કારના નંબર તથા એન્જિન નંબરના આધારે માલિક સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ભયાનક અકસ્માતને કારણે ગોંડલ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW