મોરબી ખાતે તા. 25/01/2026ના રોજ એક સતર્ક નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવી હતી કે, મોરબીના રંગપર ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આશરે ત્રણ વર્ષની એક નાની બાળકી એકલી બેઠેલી મળી આવી છે. બાળકી ખૂબ ગભરાયેલી અને મુજાયેલી હાલતમાં હતી તેમજ કંઈ બોલી શકતી ન હતી. આસપાસ કોઈ ઓળખીતું વ્યક્તિ હાજર ન હોવાથી બાળકીની મદદ માટે તાત્કાલિક 181 ટીમને બોલાવવામાં આવી હતી.
માહિતી મળતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર તથા પાયલોટ અનિલભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ બાળકીને સુરક્ષિત સ્થળે બેસાડી હતી. ટીમ દ્વારા સૌપ્રથમ બાળકીની સંભાળ લઈ નાસ્તો અને પાણી આપવામાં આવ્યું અને બાળકી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ બાળકી કંઈ બોલી શકતી ન હતી.
બાળકી પાસેથી કોઈ પ્રાથમિક માહિતી ન મળતાં ત્રણેય ટીમે સંકલન સાથે રેસ્ક્યુ વાન દ્વારા આજુબાજુની કંપનીઓ તથા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. છતાં કોઈ પણ વ્યક્તિ બાળકીની ઓળખ કરી શકી ન હતી. ત્યારબાદ એક કંપનીના માલિકની મદદથી મોરબી સિરામિક એસોસિએશનના ગ્રુપમાં બાળકી અંગે માહિતી મૂકવામાં આવી હતી, પરંતુ લગભગ પાંચ કલાક સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આસપાસના લોકો સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી, છતાં બાળકીની ઓળખ મળી ન આવી.
ઘણા પ્રયત્નો બાદ અંતે બાળકીના માતા-પિતાનો સંપર્ક મળી આવ્યો. યોગ્ય આધાર પુરાવા ચકાસ્યા બાદ બાળકીના પિતા સાથે વાતચીત કરવામાં આવી. કાઉન્સેલિંગ દરમિયાન પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ મૂળ ઝારખંડના રહેવાસી છે અને છેલ્લા છ મહિનાથી મોરબીમાં એક કંપનીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેઓ બંને નાઈટ ડ્યુટી કરી થાકી જતા સૂઈ ગયા હતા અને આ દરમિયાન તેમની બાળકી અજાણતાં ઘરેથી બહાર નીકળી ગઈ હતી. સવારે ઉઠ્યા બાદ બાળકી ઘરે ન મળતાં તેમણે ઘણો શોધખોળ કર્યો હતો, પરંતુ કોઈ માહિતી મળી ન હતી.
ત્યારબાદ 181 ટીમ દ્વારા બાળકીના પરિવારને જરૂરી સલાહ, માર્ગદર્શન અને પોલીસ સંબંધિત કાયદાકીય માહિતી આપવામાં આવી હતી તેમજ ભવિષ્યમાં ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવ્યું હતું. અંતે ત્રણેય ટીમની સંયુક્ત કામગીરીથી બાળકીને સહીસલામત રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી. બાળકીના પરિવારજનો દ્વારા 181 ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

