માળિયા જામનગર નેશનલ હાઇવે પર મોરબી તાલુકાના આમરણ ગામ અને જોડિયા તાલુકાના માવના ગામ વચ્ચે સોમવાર ની મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જામનગર તરફ જઈ રહેલા માટી ભરેલા ટ્રકની પાછળ એક ટ્રેલર ઘૂસી જતા ટ્રેલરનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે ટ્રેલરની કેબિનનો સંપૂર્ણ રીતે ભુક્કો બોલી ગયો હતો.
આ ઘટનાની આમરણ ગામ નજીક આવેલા માળિયા–જામનગર હાઇવે રોડ પર બની હતી.આગળ જઈ રહેલા ટ્રકને પાછળથી આવી રહેલા ટ્રેલરના ચાલકે જોરદાર ટક્કર મારી હતી,જેના કારણે ડ્રાઇવર ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો. ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં અકસ્માતગ્રસ્ત ટ્રેલરને રોડની સાઈડમાં ખસેડતા વાહનવ્યવહાર ફરીથી શરૂ થયો હતો.

