મોરબીના બી ડિવિઝન પોલીસ મથક નજીક આવેલી માળિયા ફાટક ચોકડી પાસે એલસીબી ટીમે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. વોચ દરમિયાન એક અર્ટિકા કારને અટકાવી તપાસ કરતા કારમાં બેઠેલા બે શખ્સો પાસેથી 50 ગ્રામ અને 13 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યા હતા. પોલીસે ડ્રગ્સ, કાર તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 6,55,890નો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યા અને તેમની ટીમ નશીલા પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે સઘન કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી તરફથી બે વ્યક્તિઓ મેફેડ્રોન ડ્રગ્સ લઈને પસાર થવાના છે. આ માહિતીના આધારે માળિયા ફાટક ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન હળવદથી જામનગર તરફ જઈ રહેલી અર્ટિકા કાર નંબર GJ-3-MP-4792 ને રોકવામાં આવી હતી. કારમાં બેઠેલા તોસિફમિયા બુખારી (રહે. નવાગામ ઘેડ, જામનગર) અને ઈકબાલભાઈ ચાવડા (રહે. નવા રેલ્વે સ્ટેશન વિસ્તાર, વડેશ્વર રોડ, જામનગર)ની પૂછપરછ અને તલાશી લેતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે રૂ. 1,50,390 કિંમતનું ડ્રગ્સ, રૂ. 5 લાખની અર્ટિકા કાર તથા રૂ. 5,500 કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબજે કરી કુલ રૂ. 6,55,890નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે તોસિફમિયા હુસેનમિયા બુખારી (ઉં.વ. 35) અને ઈકબાલભાઈ મુસાભાઈ ચાવડા (ઉં.વ. 45)ની ધરપકડ કરી છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે, જેમાં ધરપકડ થયેલા બંને આરોપીઓ ઉપરાંત શરીફ (રહે. જરૂશા, વારાહી, પાટણ) અને સાચોર નજીકથી નાર્કોટિક્સનો મુદ્દામાલ પહોંચાડવા આવેલા સફેદ રંગની સ્કોર્પિયો કારના ચાલકનો સમાવેશ થાય છે. અન્ય બે ફરાર આરોપીઓને પકડવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

