મોરબી તાલુકાના ગીડચ ગામે રહેતા ભાવેશ લાભુભાઈ ટીડાણી (ઉ.વ.24), મહેશ પ્રેમજીભાઈ કુંવરીયા (ઉ.વ.27) અને અનીલ પ્રેમજીભાઈ કુંવરીયા એમ ત્રણેય યુવાનો ગીડ્ચ ગામથી મોરબી યાર્ડમાં કામકાજ માટે બાઇક ઉપર જઈ રહ્યા હતા, ત્યારે મોરબીના ગીડ્ચ પાનેલી રોડ પર આગળ પાછળની પરવા કર્યા વગર પુરઝડપે યમદૂતની જેમ ઘસી આવેલા પાણીના ટેન્કરે આ યુવાનોના બાઈકને એટલી જોરદાર ટક્કર મારી હતી કે, સર્જાયેલા અકસ્માતમાં ભાવેશભાઈ ટીડાણી અને મહેશભાઈ કુંવરીયાને ગંભીર ઇજા થવાથી બન્ને યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધા હતા. જ્યારે અન્ય એક યુવાન અનિલભાઈ કુંવરીયાને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.અત્રે નોંધનીય છે કે મોરબી આસપાસ હાઇવે સહિતના રોડ ઉપર ડમ્પરોનો એટલી હદે ત્રાસ છે કે નાના વાહનો વારંવાર ઝપટે ચડી છે. જેમાં કેટલાકના મોર થાય છે. તો કેટલાકના હાથ પગ ખોખરા થાય છે. આવા ડમ્પરો સામે પોલીસ હજુ કોઇ નક્કર કાર્યવાહી કરી શકી નથી. ત્યારે હવે ટેન્કરો પણ કાળ બનીને ઉતરી પડ્યા હોય એમ આજે બે પરિવારના કંધોતર યુવાનોને છીનવી લેતા તેમના પરિવારે હૈયાફાટ આક્રંદ કરતા ભારે ગમગીની છવાઈ હતી.

