અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દાહોદ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદના જાલત ગામ નજીક એક હોટલ પરથી રિવર્સ લેતી લક્ઝરી બસને પાછળથી આવતી એક ટ્રકે ટક્કર મારતાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગંભીર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ પરિવહન નિગમની એક મુસાફર બસ દાહોદના જાલત ગામ પાસે આવેલી અવંતિકા હોટલ પાસે ટર્ન લઈ રહી હતી, એ દરમિયાન પાછળથી આવી રહેલી એક ટ્રકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ પલટી મારી રોડ પર ઘસડાતી ગઈ હતી, એના કારણે સ્થળ પર જ અફરાતફરી મચી ગઈ હતી.
અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં બસમાં સવાર એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અંદાજે 17 જેટલા મુસાફરોને ગંભીર તેમજ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. અકસ્માતનાં દૃશ્યો જોઈ આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ત્યાર બાદ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગ પર જામ ન સર્જાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી. તેમજ ટ્રક અને બસને રસ્તા પરથી દૂર કરી હાઇવે ફરી શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું કે, ઇન્દોરથી અમદાવાદ જતી લક્ઝરી બસને અવંતિકા હોટલ પાસે ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લક્ઝરી પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. બાકી કેટલાકને ઇજાઓ પહોંચતા દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળકની હાલત થોડી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને બાકીના લોકોની સ્થિતિ સારી છે. હાલ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે, પોલીસ આગળની તપાસ કરી રહી છે.

