મોરબીની અવની ચોકડી વિસ્તારમાં રહેતા અને ખેતી વ્યવસાય કરતા વૃદ્ધને તેમના રવાપર રોડ સ્થિત ફાર્મમાં મજૂરોની જરૂર હતી. આ દરમિયાન વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાંચાભાઈ કોળી નામના પરિચિત વ્યક્તિએ મદદ કરવાની વાત કરી હતી. પાંચાભાઈએ ગોંડલ રહેતી પોતાની બહેન હોવાનું કહી એક મહિલાને ખેતીકામ માટે મોકલવાની વાત કરી હતી.
થોડા દિવસ બાદ ખુશી પટેલ નામની મહિલા ફોન કરીને મોરબી આવી હતી. શરૂઆતમાં આધાર પુરાવા ન હોવાના કારણે વૃદ્ધે તેને કામ પર રાખવાની ના પાડી હતી. જોકે, બે-ત્રણ દિવસ પછી આર્થિક પરિસ્થિતિનો બહાનો બનાવી મહિલાએ ફરીથી આજીજી કરતાં વૃદ્ધ તેને કામ પર રાખવા તૈયાર થયા અને ફાર્મહાઉસ પર લઈ ગયા. આ વખતે મહિલા એકલી આવી હતી અને અગાઉથી ઘડાયેલા કાવતરાં મુજબ અચાનક પોતાના કપડા ઉતારવા લાગી. એ જ સમયે બે કારમાં સવાર સાત જેટલા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધનો વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને “સમાજની દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો” હોવાનું કહી બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી.
આબરૂ જવાની ભીતિથી ગભરાયેલા વૃદ્ધ પાસે સમાધાનના નામે રૂ. 1.11 કરોડની માગ કરવામાં આવી હતી. શરૂઆતમાં આરોપીઓએ વૃદ્ધ પાસેથી અઢી તોલાની સોનાની ચેઇન અને રૂ. 1 લાખ રોકડા પડાવી લીધા હતા. બાદમાં અલગ-અલગ નંબર પરથી ફોન કરીને ધમકીઓ આપતા રહ્યા અને અંતે રૂ. 50 લાખ કિંમતની ચાર સોનાની બિસ્કીટ પણ પડાવી લીધી હતી.
અહીંથી પણ સંતોષ ન થતા આરોપીઓએ વધુ રૂપિયા પડાવવાના ઈરાદે વૃદ્ધનું અપહરણ કરી બોટાદ લઈ ગયા હતા. જ્યાં આરોપી મુકેશ આલની ઓફિસમાં તેમને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવના દસ દિવસ બાદ પીડિત વૃદ્ધે મોરબી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ આઠ આરોપીઓ સામે અપહરણ, છેતરપિંડી, ધમકી અને ગુનાહિત કાવતરાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જે બાદ આ ગુનાની તપાસ દરમ્યાન ખાનગી બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ થી પાંચ આરોપીઓ જીલુભાઇ વિહાભાઇ પરસાડિયા રહે-પાળીયાદ ગામ તુરખા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળ તા.જિ.બોટાદ, મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, કરણભાઈ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડ પરા વાકાનેર જી.મોરબી, પાંચાભાઈ કાનજીભાઈ માણસુરીયા રહે- તીથવા ગામ તા.વાંકાનેર, દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી ગેઇટ નં-2 ગઢડા રોડ બોટાદવાળાને પકડી પાડી ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક કઢાવી લીધેલ સોનાના બિસ્કીટ પૈકી ત્રણ સોનાના બિસ્કીટ તથા સોનાનો ચેઇન તેમજ બનાવમાં ઉપયોગમા કરેલ બે કાર તથા એક એકસેસ તથા મોબાઇલ નંગ-6 મળી કુલ રૂ.51,11,000 નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ હેનીટ્રપની આ ઘટનામા સંડોવાયેલા પાંચ સભ્યોને ઝડપી પાડવામાં મોરબી સિટી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે. તેમજ ટોળકીની મુખ્ય સૂત્રધાર ગણાતી મહિલા (ખુશી) તેમજ મનીષ ગારીયા અને રમેશ ઉર્ફે રામાભાઇ હજુ ફરાર છે, તેમને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પાંચાભાઈ કોળી લાંબા સમયથી પીડિત વૃદ્ધનો પરિચિત હતો અને ઘણીવાર ડ્રાઈવર તરીકે પણ સાથે જતો હતો. જેના કારણે વૃદ્ધની આર્થિક સ્થિતિ અને દૈનિક રૂટિનની સંપૂર્ણ જાણકારી તેને હતી. આથી સમગ્ર હની ટ્રેપ અને ઠગાઈના કાવતરામાં પાંચાભાઈ કોળી મુખ્ય સૂત્રધાર હોવાની પોલીસને મજબૂત આશંકા છે. હાલ પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે.

