Sunday, December 7, 2025
HomeGujaratગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7લોકોને ઈજા

ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માતમાં મહિલાનું મોત, 7લોકોને ઈજા

ગાંધીનગરના મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલ રાતે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ઇનોવા કારે મજૂરોને લઈ જતી રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં ઇનોવા કાર પણ રોડની સાઇડમાં પાર્ક કરેલી આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય આઠેક લોકોને ઇજાઓ પહોંચી છે. આ અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતાં કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી.

આ અકસ્માત અંગે ઇજાગ્રસ્ત રિક્ષા-ડ્રાઈવર પંકજજી પ્રહલાદજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, લેકાવાડા ખાતે કમલેશભાઇ પટેલે ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા મજૂરી અર્થે બોલાવ્યા હતા. જેથી પંકજજી ગામના શૈલેષ વિક્રમજી ઠાકોર, લીલાબેન કાંતિજી ઠાકોર, અર્જુન કાંતિજી ઠાકોર, મહેન્દ્રભાઈ નરસિંહભાઈ વાઘેલા, જ્યોત્સ્નાબેન મહેન્દ્રભાઈ વાઘેલા, મુન્નીબેન કાંતિજી ઠાકોર તથા પૂનમબેન બળદેવજી ઠાકોરને રિક્ષામાં લઈને નીકળ્યા હતા.

એ વખતે દહેગામ મોટા ચિલોડા રોડ ઉપર કેશવ હોટલ નજીક ઇનોવા ગાડીના ચાલકે પોતાની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સામેથી રિક્ષાને ટક્કર મારી હતી, જેથી રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઇને પલટી મારી ગઈ હતી. જ્યારે ઇનોવા ગાડી રોડની સાઈડમાં નજીકમાં પાર્ક કરેલી એક આઇવા ગાડીની ડીઝલ ટાંકીવાળા ભાગે અથડાઈ હતી. આ અકસ્માત સર્જી ગાડી મૂકીને ચાલક નાસી ગયો હતો.

અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. રિક્ષામાંથી તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતાં કારમાં દારૂની બોટલ પણ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,170SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page