સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે નગરપાલિકાઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. લાંબા સમયથી અટકી પડેલા વિકાસ કામમાં તેજી આવી રહી છે, મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ રસ્તાના નાની સિંચાઈના કામ સહિતના મંજુરી આપવા સ્વ ભંડોળના રેતી રોયલ્ટી ગ્રાન્ટના કામને મંજુરી આપવામાં આવી રહી છે.
ત્યારે આજે મોરબી જિલ્લા પંચાયત ખાતે વિવિધ ગ્રાન્ટના કામની સૈદ્ધાંતિક અને વહીવટી મંજુરીના કામને બહાલી આપવા ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં રૂ 9.21 કરોડના કામને મંજુરી આપવામાં આવી હતી. આ 9.21 કરોડ પૈકી 6.09 કરોડના કામને પણ સમાવવામાં આવ્યા હતા. જે કામ છેલ્લા 2 મહિનાથી અટવાયેલા હતા અને તેની પાછળ તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા વિકાસ કમિશ્નર પાસે કામગીરી બાબતે અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જેના કારણે આ કામગીરી અટકી પડી હતી.
આ ઉપરાંત આ સભામાં જૂના ઘાટીલાથી ટીકરને જોડતા રોડ ને માર્ગ મકાન રાજ્યને સોપવા બહાલી આપવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના અમર સરથી મીતાણા, પાંચ દ્વારકા થી સ્ટેટ હાઇવે જોડતો રોડ, અરણીટીંબાથી પીપળીયા રાજ તેમજ નેશનલ હાઈવેથી રાજા વડલા સુધીનો રોડ એમ કુલ 4 રોડના કામ રાજકોટની પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીને કામ સોપ્યું હતું, પણ આ એજન્સી દ્વારા છેલ્લા ઘણા મહિનાથી કામગીરી અધુરી મૂકી દીધી છે અને 6 જેટલી નોટીસ આપવા છતાં કામગીરી શરુ કરી ન હતી. જેથી આજે સામાન્ય સભામાં એજન્સીએ ભરેલી એમડીની રકમ જપ્ત કરી તેને છુટા કરવા અને નવી એજન્સી પાસે કરવા એન એજન્સીને બરખાસ્ત કરવા ચર્ચા થઇ હતી. આવી એક બીજી એજન્સી સમથેરવાથી નાગલપર સુધીને જોડતા રોડનું કામ ઉમિયા કન્સ્ટ્રકશનને આપ્યું હતું, જોકે તે એજન્સીએ પણ કામગીરી કરી ન હોવાથી છૂટી કરી ડીપોઝીટ જપ્ત કરવા ચર્ચા કરી હતી. જોકે સામાન્ય સભા દ્વારા હાલ એક મહિના પુરતો સમય આપવામાં આવ્યો છે અને એક મહિનામાં જો કામગીરી શરુ ન કરે તો કડક પગલા લેવા સામાન્ય સભામાં સહમતી સધાઈ હતી.


