ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ અંગે માહિતી આપતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે બંધક બનાવાયેલા લોકો દોહા પહોંચ્યા છે. સરકારની મદદથી તેમનો છૂટકારો થયો છે.
અગાઉ વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના વધુ ચાર લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા પરિવારજનોને વીડિયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માગતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થતા તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી મદદ માગી હતી.
આ અંગે ધારાસભ્ય જે.એસ.પટેલે કહ્યું કે હું બહારગામ હતો, હજી ટ્રેનમાંથી ઉતર્યો છું. માણસા પહોંચી પરિવાર સાથે વાતચીત કરીને વધુ માહિતી આપીશ. બંધકોને પરત લાવવા સરકારે મદદ કરી છે. ચારેય લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી હતી. સામેથી બાબા નામના વ્યકિત દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. પરિવારજનોને એક વીડિયો મોકલવામાં આવ્યો હતો. જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા હતા. કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં હતા. લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનો એક વ્યકિત 19મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા બાદ ઈરાનમાં તેમનું અપહરણ થયાનું સામે આવ્યું હતું. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલે અમિત શાહને પત્ર લખી મદદ માગી હતી. જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રઘજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો હતો. આ ચારેય લોકોને સૌ પ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં થઈ એમીરેટ્સ એરલાઈન્સ દ્વારા તેઓને બેંગકોક, દુબઈ અને તહેરાન લઈ જવાયા હતા.
આ અંગે ગામના સરપંચ પ્રકાશભાઈએ કહ્યું હતું કે, ગામના ત્રણ જણા અને બદપુરા ગામનો એક મળીને ચાર પેસેન્જરનું તહેવારમાં અપહરણ થયું હતું. જેની જાણ થતા માણસાના ધારાસભ્ય જે.એસ .પટેલને તાત્કાલિક જાણ કરી હતી. બે કરોડ જેવી ખંડણી માંગવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.


