હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને બોટાદમાં રેડ એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7.68 ઈંચ તો સૌથી ઓછો મહેસાણામાં 1 મિમી વરસાદ પડ્યો છે. ગતરોજ ભારે વરસાદને પગલે જનજીવન પર ભારે અસર થઈ હતી. ભાવનગરના મહુવામાં તોફાની વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જ હતું. તો સુરતમાં લગ્નમાં મહેમાનોએ તાડપત્રી પકડી દીકરીની વિદાય કરી હતી. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અષાઢ મહિનાની યાદ આવી ગઈ હતી.


