મોરબીના પાડા પુલ ઉપરથી મચ્છુ નદીમાં ગત શુક્રવારે બપોરના સમયે એક યુવાને આપઘાત માટે ઝંપલાવ્યું હોય અને તેની સાથે તેના એક મિત્રે તેને બચાવવા જતા તે પણ પાણીમાં કૂદી ગયા બાદ બન્ને ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા, જે બાદ સામાજિક કાર્યકરે શોધખોળ કરી પણ પત્તો ન લાગતા મોરબી ફાયર વિભાગની ટીમે પણ કલાકો સુધી બન્ને તલાસ કરી અંતે શુક્રવારે રાત્રે અને શનિવારે આખો દિવસ મોરબી ફાયર વિભાગની ટીમ રાજકોટ ફાયર વિભાગની ટીમ અને એસ ડી આર એફ ની ટીમે બન્નેની શોધખોળ ચાલુ રાખી હતી. અંતે શનિવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ બન્ને મૃતદેહ મળી આવ્યા હતા. જેને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકના નામ હર્ષદ બળદેવભાઇ પારેધી રહે વવાણીયા જ્યારે બીજા યુવકની ઓળખ અનિલ કનુભાઈ ભંખોડિયા રહે વીસીપરા હોવાનું સામે આવ્યું હતું.
બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે બન્ને મૃતકના આપઘાત મોત અંગેની નોંધ કરી બન્નેમાં મોત પાછળ કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.


