હાલ આધ્ય શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, નાના ગામથી મોટા મહાનગરમાં ગરબા મંડળ દ્વારા વિશેષ આયોજન થઈ રહ્યા છે. આજના અર્વાચીન ગરબાના ક્રેઝ વચ્ચે પણ શેરી ગરબીઓ પોતાનું આગવું મહત્વ ધરાવે છે અને તેના સફળ આયોજન થઈ રહ્યા છે. આજે પણ મોરબી જિલ્લામાં શહેરની સાથે નાના ગામમાં ચાલતા ગરબી મંડળમાં બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહી છે. દરેક ગામમાં અને મોહલ્લામાં થતી શેરી ગરબીઓ વિશેષ આયોજન અને મહત્વ છે, ત્યારે મોરબી જિલ્લાના માળિયા ગામે એક અનોખી જ ગરબીનું આયોજન થાય છે. અહીં ગામની સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. નવાઈની વાત તો એ છે કે અહીં મુસ્લિમ સમુદાય અને હિંદુ સમુદાયની બાળાઓ એકસાથે ગરબે ઝૂમતી જોવા મળે છે. હિંદુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ આ બાળાઓ સમાજ માટે પૂરું પાડી રહી છે.
મોરબી જિલ્લાના માળિયા ગામે પોલીસ સ્ટેશન પર પોલીસ દ્વારા વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીં હિંદુ અને મુસ્લિમ સમુદાયની બાળાઓ સાથે મળી ગરબે ઝૂમે છે. પરંપરા અને શ્રદ્ધા સાથે ઉજવાતા આ ઉત્સવમાં સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ પ્રસરે છે. આ ગરબી જ્યારથી પોલીસ સ્ટેશનની સ્થાપના થઈ ત્યારથી અવિરત યોજાતી આવી છે. આ વર્ષે બાળાઓની સંખ્યા 200 જેટલી દીકરીઓએ ગરબીમાં ભાગ લીધો છે. જેમાં 50 ટકા જેટલી હિંદુ સમુદાયની દીકરીઓ તેમજ 50 ટકા મુસ્લિમ સમુદાયની દીકરીઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી અવિરત ચાલતી આવી રહી છે. નવાઈની વાત એ છે કે અલગ-અલગ સમુદાયની બાળાઓ એકસાથે જ ગરબા રમે છે, જે ગામના એકતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવે છે. ગરબીના છેલ્લા દિવસે પોલીસ દ્વારા તમામ બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. આ પ્રસંગે ગામમાં હર્ષ અને ઉમંગનું વાતાવરણ છવાઈ જાય છે. માળિયા ગામની આ પરંપરા હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું જીવંત ઉદાહરણ પુરું પાડી રહી છે અને સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે.


