તા. 23 સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી ઝડપાયા બાદ વિપુલને ગાંધીનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર LCB આરોપી વિપુલ પરમારને લઈને ઘટના સ્થળ(અંબાપુર કેનાલ) પર રિકન્સ્ટ્રક્શન માટે 4:45 વાગે પહોંચી હતી. આરોપીની સાથે LCB પીઆઇ દિવાનસિંહ વાળા અને હાર્દિક પરમારની બે ટીમ હતી. બે અલગ અલગ ગાડીમાં ટીમ રવાના થઈ હતી.આગળની ગાડીમાં બે PSI, ડ્રાઈવર અને આરોપી વિપુલ હતા. જ્યારે પાછળની ગાડીમાં પીઆઇ વાળા અને પીઆઈ હાર્દિક પરમાર તથા અન્ય પોલીસકર્મીઓ બેઠા હતા.
આરોપીને લઈને ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગાડીમાં આગળની સીટ પર ડ્રાઈવર, જ્યારે ડ્રાઇવરની બાજુમાં એક PSI બેઠા હતા. તો પાછળની સીટમાં ડાબી બાજુ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વચ્ચે આરોપી વિપુલ અને આરોપીની જમણી બાજુ PSI પાટડિયા બેઠા હતા. સ્થળ પર ગાડી ધીમી પડતા આરોપીએ જમણી બાજુ બેઠેલા PSIની ડાબી બાજુ કમરના ભાગેથી રિવોલ્વર ઝૂંટવી લીધી. જે બાદ ડાબી બાજુ બેઠેલા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહે આરોપીને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસની ગાડીમાં જ આરોપી અને રાજેન્દ્રસિંહ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમ્યાન રાજેન્દ્રસિંહ આરોપીના ઉપર આવી ગયા ત્યારે આરોપીએ રાજેન્દ્રસિંહ પર ફાયરિંગ કર્યું.
રાજેન્દ્રસિંહને હાથના ડાબી બાજુ કોણીની ઉપર ગોળી વાગીને આગળ બેઠેલા PSI પાસેથી પસાર થઈને પોલીસનો ગાડીનો આગળનો કાચ તોડી બહાર નીકળી ગઈ. રાજેન્દ્રસિંહને ગોળી વાગતા જ તેઓ બાજુમાં આવી ગયા હતા. જેથી આરોપી રાજેન્દ્રસિંહ તરફનો દરવાજો ખોલીને હાથમાં હાથકડી હોવા છતાં બહાર નીકળી ગયો હતો. આરોપી બહાર નીકળતા પાછળની ગાડી તાત્કાલિક ઊભી રહી ગઈ હતી. આરોપીએ બહાર નીકળીને પાછળ આવી રહેલી પોલીસની ગાડી પર આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું.પાછળની પોલીસની ગાડીના બોનેટ પર તથા પોલીસની ગાડીના દરવાજા પર આરોપીએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આરોપી બાજુમાં આવેલી ઝાડીમાં ભાગી રહ્યો હતો. આ દરમિયાન પાછળની ગાડીમાંથી પીઆઇ વાળા,પરમાર અને ટીમ ઉતરી હતી. આરોપીએ દોડતા દોડતા પણ પોલીસ પર ફાયરિંગ ચાલુ રાખ્યું હતું.
આરોપી ફાયરિંગ કરતો હતો, ત્યારે બહાર આવેલા પીઆઇ વાળાના કાન પાસેથી ગોળી પસાર થઈ હતી. જોકે સદનસીબે તેમનો બચાવ થયો હતો. આરોપી સતત ફાયરિંગ કરતો હતો. જેથી પીઆઇ વાળા અને પીઆઈ પરમારે પણ સર્વિસ રિવોલ્વરથી આરોપી પર સ્વબચાવમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. સૌ પ્રથમ આરોપીના પગમાં ગોળી મારી હતી છતાં આરોપી ભાગીને રોડની બાજુમાં આવેલી ઝાડીમાં ભાગી રહ્યો હતો. આરોપી ભાગતા ભાગતા પણ પોલીસ પર ફાયરિંગ કરી રહ્યો હતો. જેથી ફરીથી આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપીના કમર અને પીઠના ભાગે ગોળી વાગી હતી.
આરોપી રોડથી 30 મીટર દૂર ઝાડીમાં ઢળી પડ્યો હતો. આરોપી ઢળી પડતા પોલીસે નજીક જઈને તપાસ કરી હતી ત્યારે તે ભાનમાં નહોતો. બીજી તરફ રાજેન્દ્રસિહ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા આરોપીનું મોત થયું હતું. જે બાદ એલસીબીની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓ અને એફએસીલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સાઈકો કિલરની ડેડબોડી રાખવામાં આવી છે. પોલીસે કેનાલ વિસ્તારને કોર્ડન કરી રાખી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. આવતીકાલે ફોરેન્સિક ટીમને સાથે રાખીને પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

