સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન નામની હોટેલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 13 વિદેશી મહિલાઓની અટકાયત કરાઈ છે. 9 પુરુષ સાથે કુલ 22ની ધરપકડ કરવામાં આવી છે. તથા અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગ્રાહકો પાસેથી 3500થી 5 હજાર લઈ થાઈલેન્ડની મહિલાઓને 1500 ચૂકવવામાં આવતાં હતાં. વોટ્સએપના માધ્યમથી રેકેટ ચાલતું હતું.
પોલીસને જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઈન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમ જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો.
દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાંથી આગળ વધતા રૂમ નંબર 403 માં 7 લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું જે મેનેજર તરીકે કામ કરતો હતો. તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલતો હોવાનું કબૂલ્યું હતું. આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે, જ્યારે બિપીન ઉર્ફે બંટી બાબરીયા મેનેજર તરીકે કામ કરતા હતા.
પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું. તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું. વધુમાં અશોકમામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.
રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના 3500 લેવામાં આવતા હતા. જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે મહિલાઓને 1500 ચૂકવવામાં આવતા હતા. આ રેડ દરમિયાન રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળીને કુલ 13 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને સોંપી છે.

