જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકના મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તારીખ 08 થી 12 સપ્ટેમ્બર 2025 દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અનેક ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો.
આ સપ્તાહ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ એમ.એફ. ભોરણીયા અને વૈજ્ઞાનિકો દ્વારા હાલમાં કરવામાં આવેલ વાવેતર અંગે તેમજ આગામી રવિ સિઝનમાં કરવામાં આવનાર વાવેતરની ઊંડાણપૂર્વક સમજ તેમજ આવનાર સમયમાં આધુનિક ખેતી પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગેનું માર્ગદર્શન તેમજ નિદર્શનથી માહિતી આપવામાં આવી હતી.
હાલમાં ગુજરાતના રાજ્યપાલના આહવાનને અનુસંધાને પ્રાકૃતિક ખેતી અંગેના જુદા જુદા આયામોની વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓ અને વિભાગો જેવા કે આત્મા, એકેએઆરએસપી, વાલમી, ઇફકો, આઇપીએલ અને જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સહયોગી સંસ્થાઓ અને વિભાગોના અધિકારી/કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


