મોરબી શહેરમાં ગઈકાલ સાંજના સમયે બે પરિવારો વચ્ચે દિકરી ભગાડી જવા મુદ્દે ચાલતીની માથાકૂટને લઇ ઝઘડો થયો હતો અને પરિવાર વચ્ચે ધારિયા અને છરી જેવા હથિયારો વડે હુમલા કરાયા હતા. આ દરમિયાન પિતા પુત્રને તીક્ષ્ણ હથિયારના વાગ્યા હતા. જેમાં 22 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ ઉપરાંત મૃતકના પિતાને કપાળ અને આંખના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં પરશુરામ બ્રિજના છેડે સિલ્વર પાર્કમાં રહેતા નરશીભાઇ જીવાભાઇ પરમારે આરોપી વિજયભાઇ ગુણાભાઇ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુ ગુણાભાઇ પરમાર, ભગાભાઇ ગુણાભાઇ પરમાર, ભાવુબેન ભગાભાઇ પરમાર, મંજુબેન વિજયભાઇ પરમાર અને સનીભાઇ જંજવાડીયા કોળી સામે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આરોપી શંકરભાઇ ઉર્ફે ચકુ ફરિયાદી નરશીભાઇ જીવાભાઇ પરમારના નાતના રાણીંગભાઇ હીરાભાઇ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી લાવેલ હોય જેનુ સમાધાન કરવા આ આરોપીઓ નરશીભાઈને દબાણ કરતા હોય નરશીભાઇ સમાધાન કરાવવા સાથે જવાની ના કહેતા હોય જે અંગેનો ખાર રાખી તમામ આરોપીઓએ એક સંપ કરી છરી, ધારીયુ તથા લાકડી જેવા હથીયાર ધારણ કરી આવી નરશીભાઇના ભત્રીજા રમેશભાઇ ગભાભાઇને ડાબા ખંભા પાસે જીવલેણ ઘા મારી ગંભીર ઇજા કરી, મોત કરી તેમજ ફરીયાદીના મોટાભાઇ ગભાભાઇ જીવાભાઇને જમણા હાથની આંગળાઓમાં તથા ડાબી આંખમાં તથા શરીરે ગંભીર ઇજાઓ કરી અને ફરીયાદી નરશીભાઇને વાસામાં માર મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

