HomeGujaratનવસારીમાં લિફ્ટમાં ફસાતાં 5 વર્ષના બાળકનું મોત

નવસારીમાં લિફ્ટમાં ફસાતાં 5 વર્ષના બાળકનું મોત

નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જે બાદ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યું હતું, જોકે તેનો જીવ બચાવી શક્યા નહોતા.​​​​

ઘટનાની મળતી માહિતી મુજબ નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. તે દરમિયાન માતા આવે એ પહેલાં જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયરબ્રિગેડની ટીમે કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યું. મૃતક બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.

નીરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો અગાઉ વપરાતી લોખંડની જાળીવાળી લિફ્ટ છે, જેની આગળ લાકડાનો દરવાજો છે. બાળકે લાકડાનો દરવાજો પુલ કરી અંદર જવા ગયો, ત્યારે દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને લિફ્ટ અંદરની લોખંડની જાળી બંધ થાય એ અગાઉ જ લિફ્ટ શરૂ થઈ ગઈ હતી અને ઉપર તરફ જવા લાગી હતી. એના કારણે બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગયું હતું. નજરે જોનારનું માનવું છે કે, લિફ્ટમાં સેન્સર બરાબર કામ કરતું ન હોવાને કારણે સંભવિત રીતે કોઈએ ઉપરના માળે લિફ્ટનું બટન દબાવ્યું હશે, જેના કારણે લિફ્ટ ચાલુ થઈ ગઈ અને અકસ્માતની ઘટના બની.

નવસારી મહાનગરપાલિકાની બની ગઈ હોવા છતાં પણ ફાયર વિભાગ પાસે આધુનિક સાધનો તો છે, પણ લિફ્ટના લોખંડનો દરવાજો કાપવાની જરૂર ઊભી થઈ ત્યારે એ સાધનો ચાલ્યાં ન હતાં, જેથી એપાર્ટમેન્ટમાં ફર્નિચરનું કામ ચાલતું હતું. ત્યાંથી મિસ્ત્રી પાસેથી કટર મગાવી લિફ્ટ કાપવી પડી હતી. આશરે દોઢ કલાકની જહેમત બાદ બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ફાયર વિભાગ પાસે આધુનિક સાધનો હોવા છતાં પણ જો એ સાધનો કોઈનો જીવ બચાવવા માટે સમયસર કામ ન આવે તો શું કામનાં? એવી ચર્ચા એપાર્ટમેન્ટમાં સાંભળવા મળી હતી.

આ ઘટના જૂની એપાર્ટમેન્ટની લિફ્ટમાં થતા અકસ્માતોની ગંભીરતા દર્શાવે છે. ગુજરાત રાજ્યમાં અનેક એપાર્ટમેન્ટની લિફ્ટ યોગ્ય મેન્ટેનન્સના અભાવે જર્જરિત બની છે. આવી લિફ્ટમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW