મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારોએ મોરબીના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવતા એક્સપોર્ટમાં ફસાયેલ નાણાની રિકવરી કરાવવા અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત કરી હતી.
મંત્રી મનસુખભાઈ માંડવીયાએ હકારાત્મક અભિગમ દાખવીને ભારત સરકાર દ્વારા શક્ય તેટલી તમામ મદદ કરવા માટે ખાતરી આપી સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત સિરામિક ઉદ્યોગને અસર કરતા કસ્ટમ તથા એક્સાઇઝ વિભાગના પ્રશ્નો અને ગ્રાઉન્ડ વોટર બોરવેલ બાબતે આવેલ નોટિસ અંગે પણ સિરામિક ઉદ્યોગને રાહત મળે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી.
કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, સિરામિક ઉદ્યોગને અસર કરતા રજૂઆત કરાયેલ તમામ પ્રશ્નોનું શક્ય તેટલી વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે. આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, રાજેશભાઈ ચુડાસમા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


