મોરબી મહાનગરપાલિકાનું રોશની વિભાગ કેવી કામગીરી કરે છે તેનું ઉદાહરણ વોર્ડ ચારમાં જોવા મળી રહ્યું છે. શહેરના સામાકાંઠે આવેલા વોર્ડ ચારના સો ઓરડી તેમજ ચામુંડા નગર આસપાસના વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે છે તો નજરબાગ રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી નથી. જેના કારણે ત્યાં રાત્રે પણ અંધારાપટ જોવા મળતા હોય છે. શહેરમાં નગરપાલિકા વખતથી જે સ્થિતિ બની છે તે મહા નગરપાલિકા બન્યાના પાંચ મહિનાઓ બાદ પણ ફેરફાર થયો હોય તેવું લાગતું નથી. જે વિસ્તારમાં 24 કલાક સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે છે ત્યાં ટાઈમર ફીટ કરવામાં આવે તો વીજળીની બચત થઈ શકે છે અને તેનો ઉપયોગ જે વિસ્તારમાં લાઈટ ઉપલબ્ધ નથી ત્યાં થઈ શકે છે પરંતુ, મનપા થોડા અમથા રૂપિયા બચાવવા જાણે ટાઈમર ફીટ કરવામાં આળસ અનુભવતી હોય તેવું લાગી રહ્યું છે.

