જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડની વિવિધ પોસ્ટ માટે આગામી સમયમાં મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવનાર છે. આ મોક ટેસ્ટ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
તાજેતરમાં ભારત સરકારના રેલવે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા Centralised Employment Notification (CEN) No.08/2024 થી Group– “D” (Level-1) ની એસ.એસ.સી./આઈ.ટી.આઈ./ડિપ્લોમા પાસ થયેલ હોય તેવા અને 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવારો માટે 14 જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટની કુલ 32,438 જગ્યા માટેની ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરી પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 01/03/2025 હતી.
મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોને વધુમાં વધુ રોજગારી મળી રહે અને યુવા વર્ગ સરકારી સેવામાં જોડાઇ પગભર બને તેવા ઉમદા હેતુથી મોરબી જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના વધુને વધુ યુવાઓ ઓનલાઇન અરજી કરવા પ્રેરાય અને તેઓને રોજગારી મળે તે માટે સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં અંદાજે 1000 જેટલા યુવક/યુવતીઓએ ઓનલાઇન અરજી કરેલ હતી. જેથી જિલ્લા પંચાયત કચેરી દ્વારા આવા ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો લેખીત પરીક્ષામાં સફળ થાય તે માટે આગામી સમયમાં મોક ટેસ્ટ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી મોક ટેસ્ટ આપવા ઇચ્છતા ઉમેદવારોને જિલ્લા પંચાયત મોરબીની વેબસાઇટ https://morbidp.gujarat.gov.in પર તા. 15/04/2025ના રાત્રીના 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જિલ્લા પંચાયતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

