ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર ના બાળકો ખાનગી શાળામાં નિશુલ્ક અભ્યાસ કરી શકે તેવા હેતુથી નોન ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યા ખાલી રાખવામાં આવે છે અને માટે સરકાર દર વર્ષે ઓનલાઈન અરજી મગાવે છે ત્યારે દર વર્ષની જેમ આ આગામી શૈક્ષણિક વર્ષ 2025/26 માં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માંગતા વાલીઓ માટે પ્રવેશ પ્રકિયા શરુ કરવામાં આવી છે. તા. 28થી મોરબી સહીત રાજ્ય ભરમાં રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરુ થશે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો આ વર્ષે જિલ્લાની 181 નોન ગ્રાન્ટેડ શાળામાં કુલ 1921 જગ્યા માટે ફોર્મ ભરવાની પ્રકિયા શરુ થવાની છે. આ વર્ષે આરટીઈ અંતર્ગત જગ્યા નો મોટા પાયે વધારો જોવા મળ્યો છે, ગત વર્ષે માત્ર 594 જગ્યા જ હતી. જેના કારણ નવી શિક્ષણ નીતિમાં ધોરણ 1માં પ્રવેશ માટે 1 જૂન સુધીમાં લઘુતમ વય મર્યાદા 6 વર્ષ કરવામાં આવતા અનેક બાળકોની આ મર્યાદા મુજબ સમાવેશ ન થતા હોવાના કારણે અરજીઓ ખુબ ઓછી આવી હતી. જેના કારણે ઘણા બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આ વર્ષે આ બાળકો પ્રવેશ મેળવી શકે તે માટે સરકાર દ્વારા જગ્યા વધારો કરતા બાકી રહેલા છાત્રો ને પણ પ્રવેશ મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે. માધ્યમ મુજબ જોઈએ તો મોરબી જીલ્લામાં 1921 પૈકી 1500 જગ્યા ગુજરાતી માધ્યમ અને 421 જેટલી જગ્યા અંગ્રેજી માધ્યમની રહેશે.
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટ
1. બાળકના જન્મ તારીખ નો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, પાનકાર્ડ ન ધરાવતા હોય અથવા ઇન્કમટેક્સનું રિટર્ન ન ભરેલ હોય તેવા કિસ્સામાં સેલ્ફ ડિકલેરેશન ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને તે અપલોડ કરવાનું રહેશે.

