ભંડોળના અભાવે રૂપિયા ન હોવાના દાવા વચ્ચે લાઈટ બીલ ભરવાના પણ ફાંફા,
મોરબી જિલ્લામાં આવેલ ચારેય નગરપાલિકાની આર્થિક સ્થિતિ જાણે નાદારીના આરે આવી ગઈ હોય તેવી સ્થિતિ છે. ક્યારેક કરાર આધારિત કર્મચારીઓ સમયસર પગાર ન મળતા હોવાની ફરિયાદ કરતા હોય છે, તો ક્યારેક પાલિકાના વાહન ચલાવવા ડિઝલ અથવા રીપેરીંગ માટે પણ રૂપિયા ન હોવાના દાવા થતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તો સ્થિતિ એટલી કથળી છે કે, પાલિકા લાઈટ બીલ પણ ભરવામાં અનિયમિત થઇ ચુકી છે. મોરબી, હળવદ અને માળીયા પાલિકાના વીજ બિલ છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવેલ નથી. જેથી કરીને વીજ કંપનીએ 27 કરોડ રૂપિયા આ ત્રણ પાલિકા પાસેથી વસૂલ કરવાના બાકી છે. જયારે પણ પીજીવીસીએલ દ્વારા કડક ઉઘરાણી કરે અથવા વીજ કનેક્શન કાપવા સુધીની સ્થિતિ પહોચે ત્યારે એક બે કરોડ જેટલી રકમ ભરી આબરૂ બચાવવા પ્રયાસ કેરે છે. જોકે તે રકમ ત્રણ ચાર મહિનાના વીજ બીલ પૂરતા જ હોય છે છેલ્લા કેટલાય સમયથી બાકી બીલ ન ચુકવણું થતા હોવાથી રકમ સતત વધતી રહે છે.
છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં અણઘડ વહીવટને કારણે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કથળતો રહે છે. એક તો સરકાર તરફથી મળતું ભંડોળ વસ્તી અને વિસ્તાર દ્રષ્ટીએ અપૂરતું હોય છે તેમાં પણ આયોજન વિના થતા ખર્ચ ના કારણે રકમ વપરાઈ જતી હોય છે. આ ઉપરાંત વેરા વસુલાત પણ ઓછી થતી હોવાથી સ્વ ભંડોળ પણ સરકાર ઓછું આપે છે અને તે સ્વભંડોળની રકમ પણ વપરાઈ જતા પાલિકાઓની તિજોરીઓ ના ફરી તળિયા દેખાવવા લગાયા છે. મોરબી જીલ્લામાં આવેલ ચાર પાલિકા પૈકીની ત્રણ પાલિકાની સ્થિતિ પણ કઈક આવી જ છે. રાજ્યની નગરપાલિકાઓમાં મોરબી પાલિકાનો એ ગ્રેડમાં સમાવેશ થાય છે પણ આર્થીક હાલત તો ગ્રામ પંચાયત જેવી હોય તેમ લાગે છે કારણ કે, એક તરફ વિકાસ કામને બ્રેક લાગેલી છે બીજી તરફ પાલિકાનું દેવું સતત વધી રહ્યું છે. તેમ પણ શહેરના વિસ્તારમાં પાણી પુરવઠા માટેની લાઈન, સ્ટ્રીટલાઈટ કચેરી સહિતના વીજ કનેક્શન ના બીલ ચુકવણી પણ પૂરતા પ્રમાણમાં ન કરતા સતત વધી રહ્યું છે. વહીવટદાર શાસન આવ્યા ત્યારથી ધારાસભ્ય અને જે તે સમયના વહીવટદાર દ્વારા આર્થીક સ્થિતિ કફોળી હોવાના દાવા કર્યા હતા. જોકે બે વર્ષ બાદ પણ કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. આ પાલિકાનું તિજોરી સાફ કરી નાખેલ છે. જેથી વર્ષ 2022 માં ઝુલતો પુલ તૂટ્યો ત્યાર પછીથી પાલિકાએ એક પણ બિલ ભરેલ નથી એટ્લે કે બે વર્ષથી બિલ ભરેલ ન હોવાથી હાલમાં મોરબી પાલિકાનું 12 કરોડ જેટલું બિલ બાકી છે.
આવી જ રીતે હળવદ પાલિકાએ પણ છેલ્લા ઘણા વર્ષોથી વીજ બિલની રકમ ભરેલ નથી. જેથી તેનું 15 કરોડથી વધુનું બિલ બાકી છે. અને માળીયા પાલિકાના પણ 67 લાખ જેટલું બિલ ભરવાનું બાકી છે અને પાલિકામાં કોઈ આવક કે બચત ન હોવાથી હાલમાં આ ત્રણેય પાલિકાને વીજ બિલ ભરવાના પણ ફાંફા થઈ ગયા છે અને વીજ બિલ ભરવા માટે હાલમાં સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવેલ છે. તેવું પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે જો કે, મોરબી જિલ્લાની ત્રણ પાલિકાનું જે 27 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે.
હાલમાં પાલિકની જે વીજ કંપનીના બિલની કરોડો રૂપિયાની રકમ ભરવાની બાકી છે તે રકમ પાલિકાઓ દ્વારા વીજ કંપનીની તિજોરીમાં કયારે ભરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે. અત્રે ઉલેખનીય છે કે, લોકોના ઘર સુધી પાણી પહોચાડવા માટે તેમજ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા માટે જે વીજ પુરવઠો વપરાઇ છે તેનું બિલ પાલિકાએ ભરવાનું હોય છે અને આ રકમ ભરવા માટે મિલકત ધારકો પાસેથી પાલિકા દ્વારા ટેક્સ રૂપે રૂપિયા લઈ લેવામાં આવે છે જો કે, પાલિકાએ રૂપિયા વીજ કંપનીમાં જમા કરાવતી નથી જેથી કરીને વીજ કંપનીનું માંગણું સતત વધી રહ્યું છે.
બીલ દર મહીને રીમાઈન્ડર નોટીસ આપવામાં આવે છે
ત્રણેય પાલિકાઓને દર મહીને રીમાઈંડર નોટીસ આપવામાં આવે છે તેમજ સમયાન્તરે કલેકટર કચેરીમાં પણ જાણ કરવામાં આવે છે ગત સંકલન બેઠકમાં પણ અમારા દ્વારા બીલ ભરપાઈ બાબતે જાણ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સમય માંગવામાં આવ્યો છે પાલિકાના તમામ કનેક્શન લોકોને મળતી સુવિધા સાથે સીધી રીતે જોડાયેલ હોવાથી કડક એક્શન લેવામાં આવતા નથી તેમ પીજીવીસીએલ મોરબી સર્કલ કચેરીના અધિક્ષક ઈજનેર એચ જે ઘડિયાએ જણાવ્યું હતું.
બીલ ભરપાઈ માટે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મૂકી છે. મોરબી પાલિકા વિસ્તારમાં વીજ બીલની રકમ બાકી હોવાનું અમારા ધ્યાનમાં આવેલ છે અને આ બીલ ભરપાઈ કરવા ભંડોળ પૂરું પાડવા ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરવામાં આવી છે અને ઉચ્ચ કક્ષાએથી રકમ મળ્યે બીલ ભરપાઈ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું

