અમદાવાદ – મુંબઈ નેશનલ હાઇવે (NH)પર વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદ તરફથી સુરત તરફ જતી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. બાદમાં તે સાઈડમાં ઊભી હતી. તે સમયે જ અચાનક પાછળથી આવી રહેલી ટ્રક આગળ ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઇવર ફસાયો હતો. જો કે બચી ગયા બાદ ડ્રાઇવરે બે હાથ જોડી ભગવાનનો આભાર માન્યો હતો. આ અકસ્માત અંગે ફાયરને કોલ મળતાં અઢી કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે આ રોડ પર 5 KM ટ્રાફિકજામ થયો હતો.
ડ્રાઇવર સીટ અને સ્ટિયરીંગ વચ્ચે ફસાયેલો હતો. ડ્રાઇવરનું રેસ્ક્યુ કરનાર પાણીગેટ ફાયર સ્ટેશનના સિનિયર સૈનિક કિરીટભાઈ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ફસાયેલ ટ્રેક ડ્રાઈવરને બચાવવો અમારાં માટે એક પડકાર હતો. અમારી પાસે અકસ્માત ઈમરજન્સી કીટ હતી. પરંતુ આગળની ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા તેનું આખું કેબિન આગળના ટ્રકના પાછળના ભાગે હતું અને ડ્રાઇવર સીટ અને સ્ટિયરીંગ વચ્ચે ફસાયેલો હતો.
‘બૂમો પાડતો હતો કે મને જલ્દી બચાવો…’ તેણે આગળ કહ્યું કે, રેસ્ક્યૂ દરમિયાન તે બૂમો પાડતો હતો કે મને જલ્દી બચાવો… ત્યારે અમે તેને સમજાવ્યો કે અમે તને સેફલી બહાર કાઢીશું. અમારે આ ડ્રાઇવરનો જીવ બચવવો હતો એટલે અમે અમુક સમય કરતા વધુ સમય લઈ અલગ અલગ ટ્રકના ડેમેજ પાર્ટ્સ કાપીને બોડીના એક એક પાર્ટ ખુલ્લા કરી તેને અઢી કલાક બાદ રેસ્ક્યુ કર્યોહતો. ત્યારે તેણે ભગવાનને હાથ જોડ્યા હતા અને અમને પણ જીવ બચાવવા બદલ આભાર માન્યો હતો.

