લોધીકા તાલુકાના મોટાવડા ગામની ઉચ્ચત્તર માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો મૃતકે છાત્રએ લખેલી સુસાઈડ નોટમાં તેમની શાળાના શિક્ષકો પર આક્ષેપ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફક્ત એટલું જ નહિ વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો છે. રડતાં રડતાં પોતે લખેલી સુસાઈડ નોટ પણ આ વીડિયોમાં દેખાડવામાં આવી છે, જેને લઇ પોલીસે સુસાઈડ નોટ તેમજ વીડિયો કબજે કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શિક્ષક દ્વારા પરીક્ષામાં ચોરી કર્યાનો આરોપ લગાવી પોલીસ કેસ થશે એવી ધમકી આપતા પોલીસ કેસના ડરના કારણે અને જેલમાં જવાની બીકના કારણે આપઘાત કરી લીધો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે સવારના સમયે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જે કબજે લઇ તેમાં મોબાઈલમાં વીડિયો હોવાનો પણ ઉલ્લેખ કરતા સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


