વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરએ હિન્દુ આસ્થાનું કેન્દ્ર છે. તે માટેલ ખોડીયાર ધામ મંદિરની આસપાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. આ અંગે જાગૃત નાગરિક સંજયભાઈ ચાવડાએ રાજ્ય સરકારના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈને રજૂઆત કરી છે. તેમજ શાળા અને બાળમંદિરમાં ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેથી રોગચાળો વધે તેવી શક્યતા છે. હાલમાં ચાંદીપુરા વાયરસ ફેલાયો છે, ત્યારે ગંદકીના કારણે આ રોગચાળો વધુ ફેલાશે તેવો લોકોમાં ભય ઉભો થયો છે. આ અંગે વારંવાર ગ્રામ પંચાયત તેમજ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે, છતાં કોઈ કામગીરી થઇ નથી. મોરબી જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરાઈ છે, તેમ છતાં હજુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે ગ્રામ વિકાસ મંત્રી સમક્ષ આ અંગે રજૂઆત કરાઈ છે અને ગંદકીની સમસ્યા દુર થાય તેવું જણાવાયું છે.


