મોરબી શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના શરૂઆત સાથે મોટાભાગના રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. શહેરના નવલખી ફાટક પાસે નો પ્રવેશ દ્વાર હોય કે શહેરનો સ્ટેશન રોડ કે પછી શનાળા રોડ તમામ વિસ્તારના રોડ પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે પાલિકા દ્વારા હાલ પાલિકા વિસ્તારમાં આવતા રોડ ની કામગીરી લેઈ માહિતી જાહેર કરી હતી. જેમાં પાલિકા વિસ્તારમાં આવતા 8 રોડના રિસરફેસ કામગીરી માટે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર આપી દીધા હોવાનો અને બે મહિના બાદ કામગીરી શરુ કરશે તેવો દાવો કર્યો છે. આ ઉપરાંત આગામી બે મહિના સુધી પાલિકા રોડ મરમતની કામગીરી કરશે એવો પણ દાવો કર્યો છે. જોકે આ મરમત કામગીરી ક્યારે અને કેટલી મજબુત થશે તે જોવું રહ્યું.
સૌરાષ્ટ્ર નું પેરીસ મોરબી બને કે ન બને પણ દર ચોમાસા માં શહેર ખાડા નગર બની જાય છે. શહેરના મોટાભાગનાં રોડ પર ડામર કે સિમેન્ટ ગાયબ થઇ ગયા છે અને માત્ર મસમોટા ખાડાઓ જ વધે છે. પરિણામે લોકો આ ખખડધજ રોડ પર ચાલવા મજબુર બને છે. માત્ર એક બે ઝાપટામાં પાણીના ખાડા ભરાઈ જતા હોવાથી તેમાં વાહન ચાલકો પડે છે અને ઈજાગ્રસ્ત પણ થાય છે. પરંતુ મોરબીમાં સબ સલામત હોય તેવો ડોળ દર વર્ષે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પદાધીકારી કરે છે અને છેલ્લા બે વર્ષથી વહીવટદાર અને અધિકારી કરી રહ્યા છે. મોટાભાગના રોડ એટલી હદે ખાડા થઇ ગયા છે કે લોકો ન છૂટકે આ ખાડામાં ચાલવા મજબુર બન્યા છે. ત્યારે હવે મોરબી પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શહેરમાં ચોમાસાની સ્થિતિને ધ્યાને લઇ નવા રોડની કામગીરી થઇ શકશે નહી. જેથી બે મહિના બાદ રોડની કામગીરી થશે અને જોકે આ બે મહિના દરમિયાન અલગ અગલ વિસ્તાર ટ્રાફિક ને અડચણ રૂપ તેમજ વાહન ચાલકો માટે જોખમી હશે તે તમામ ખાડાઓ બુરવાની કામગીરી પાલિકા કરશે. મોરબી શહેર માં દર વર્ષે ચોમાસા રોડ મરમત કામગીરી થતી હોય છે. જોકે કે આ કેવું રોડ મરમત કામ કરશે અને શહેરી જનોની હાલાકી કેટલી ઘટાડશે તે આવનારો સમય જ જણાવશે.
નીચેના તમામ રોડના કામ બે મહિના બાદ હાથ ધરાશે વર્ક ઓર્ડર અપાયો
- એચ.ડી.એફ.સી. ચોક થી રામ ચોક સુધી સી.સી.રો
- ચિત્રકૂટ ટોકીઝથી જુના મહાજન ચોક તથા ચિત્રકૂટ ટોકીઝ થી સુપર ટોકીઝ સુધી સી.સી.રોડ
- દરબાર ગઢથી જુના બસ સ્ટેશન સુધી ડામર રોડ રીસર્ફેસીંગ
- જેલ ચોકથી મચ્છુ માંના મંદિર સુધી ડામર રોડ રીસર્ફેસીંગ
- કલેકટર બંગલા થી સ્ટેશન રોડ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ
- કુંજ ચોકડીથી નવલખી બાયપાસ સુધી ડામર રોડ રીસર્ફેસીંગ
- જુના બસ સ્ટેશન સર્કલ થી સ્ટેશન રોડ(અયોધ્યા પુરી મેઈન રોડ) સુધી ડામર રોડ રીસર્ફેસીંગ
- શિવાની સીઝન સેન્ટર થી નવયુગ ગારમેન્ટ(તખતસિંહજી મેઈન રોડ) પેવર બ્લોકનો સમાવેશ થાય છે.

