Thursday, July 4, 2024
HomeGujaratમાળિયા-મિ.પાલિકામાં બે કરોડના ખર્ચે સી.સી રોડ બનાવવા મુખ્યમંત્રીની મંજૂરી

માળિયા-મિ.પાલિકામાં બે કરોડના ખર્ચે સી.સી રોડ બનાવવા મુખ્યમંત્રીની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.૧૮૫ કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.૨૪૭.૯૨ કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ મંજુરીમાં મોરબી જિલ્લાની સૌથી પછાત ગણવામાં આવતી ડી વર્ગની માળિયા-મિયાણા નગર પાલિકામાં આઉટ ગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાના ચાર કામ માટે બે કરોડ રૂપિયાના કામોની અનુમતિ પણ મુખ્યમંત્રીએ આપી છે. આ સિવાય મોરબી વાકાનેર અને હળવદ નગર પાલિકા સહિતની તમામ પાલિકાઓને ગ્રેડ મુજબ ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે

મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, કુલ રૂ. ૧૮૫.૭૯ કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-૨ નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના ૩૧ અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે ૪૫.૬૯ કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિહોર નગરપાલિકામાં આવા આગવી ઓળખના કામ તરીકે ટાઉનહોલ બનાવવાના હેતુસર રૂ. ૮ કરોડ ૩૧ લાખ ૫૦ હજારના કામોની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે ગોંડલ નગરપાલિકાને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નિર્માણ માટે રૂ. ૬ કરોડ ૯૨ લાખ ૮૪ હજારના કામો મંજૂર કર્યા છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી શહેરી સડક યોજના, આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો, મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા, રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ નિર્માણ સહિતના જન સુખાકારીના કામો રાજ્યના નગરો-મહાનગરોમાં હાથ ધરવામાં આવે છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW