Sunday, July 7, 2024
HomeGujaratબદલવુંતો, ખુદને જ પડે !

બદલવુંતો, ખુદને જ પડે !

માણસમાં રહેલી ભીતરની સકારાત્મક ઉર્જા જ સમય પરિવર્તનની સાથે યુગ પરિવર્તનની માટે પ્રેરક પરિબળ બને છે. આમ જોઈએ તો સમય સંજોગ અને પરિસ્થિતિના આધારે માણસનું પરિવર્તન સમયાંતરે થતું રહે છે. આવું પરિવર્તનને આ જગતમાં બે પ્રકારથી થતું હોય છે; એક સકારાત્મક અને બીજું નકારાત્મક! અહીંયા વાત કરવી છે સકારાત્મક પરિવર્તનની! માણસનું પરિવર્તન થાય જ, પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક! પણ જ્યારે માણસ પોતે જ ભીતરથી માનવીય તત્વને સ્વીકારી પરિવર્તન લાવે ત્યારે આવું પરિવર્તન સમગ્ર સમાજને, દેશને, જગતને એક નવા નિર્માણ તરફ લઈ જનારું બને છે. માણસના પરિવર્તનના આધારે જ યુગ પરિવર્તન થતું હોય છે એ પણ એટલી જ સાચી વાત છે. માણસની ભીતરની ગુણવતાના આધારે યુગની ગુણવત્તા નક્કી થતી હોય છે. સમય તો અવિરત ચાલતો જ રહે છે પણ એ સમયના માણસનો વ્યવહાર, વર્તન, મૂલ્યો, સંસ્કારો, આદર્શ આધારે સમાજરુપી ઇમારત નિર્માણ પામતી હોય છે.
કરુણતાએ છે કે માણસનો સકારાત્મતાને બદલે નકારાત્મકતા તરફનો જોક વધુ જોવા મળે છે. બોલવું, રજૂ કરવું અને એ જ રજૂ થયેલા શબ્દોના વિચારને પોતાના વ્યક્તિત્વ સાથે કંઈ લેવાદેવા જ નથી. પાછું દુ:ખ એ બાબતનું કે એજ માણસ આજના સમયનો હોશિયારને ચતુર! આજના માણસને આ જાણે શોખ થઈ ગયો હોય એટલે જ કદાચ હાલની કરુણતામય પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સંસારમાં અનેક સંતો, મહાત્માઓ, વિચારકો , ચિંતકો પોતાના વિચારો એક યા બીજી રીતે, માણસની જીવન જીવવાની સાચી સકારાત્મકતાના પ્રેરણારુપ વિચારો માનવ સમાજને મળતા રહે છે. કથાકારોની પ્રેરણા, સકારાત્મક વિચારો ભીતરની માનવીય ઊર્જાનું નિર્માણ ચોક્કસ કરી શકે એ સર્વ સ્વીકાર્ય તથ્ય છે. આ એવા માધ્યમો છે જેના થકી માણસને કંઈ રીતે બદલવું એ પ્રેરણા પુરી પાડે છે પણ અહિંથી વાત પુરી ન થતા સાચી તો શરુઆત હવે થાય છે. એ છે માણસ એ જાતે બદલવાની વાત! જ્યાં સુધી માણસ જાતે જ આ વાત ભીતરથી ન સ્વીકારે ત્યાં સુધી એ પરિવર્તન શક્ય જ નથી. કારણ કે બદલવું તો ખુદથી જ પડે છે.
આજના માણસને સાંભળવું ગમે છે, પણ લેવું ગમતું નથી. વિચારોને માણવા પણ છે, પણ ઉતારવા નથી.મૂલ્યવાન વિચારોને સકારાત્મક બનાવીને બદલવાની વાત આવે ત્યારે આ જ માણસ પૂર્ણવિરામ મૂકી દેતો હોય છે. પછી કહે છે કે, સમાજનું પતન નક્કી છે. સમાજ બગડ્યો છે. આ વાતમાં કેટલી સાર્થકતા છે ! જરા પણ નહી, કારણ કે સમાજનું નિર્માણ તો માણસ થકી જ થતું હોય છે. ખુદને બદલવાની તાકાત નથી એટલે સમાજને દોષારોપણ કરીને પોતાની લાગણીને શાંત કરી દેતો હોય છે. નથી સંસ્કારો કે મૂલ્યોને આધારે બદલવાની જિજ્ઞાસા! કથની અને કરણીમાં ખાસો ફરક! આ જ કારણ છે કે આજે સમાજની ,રાષ્ટ્રની હાલત શું છે? ના કોઈ નિયમ કે ના કોઈ નિષ્ઠા કે ના કોઈ શિષ્ટાચાર ! ચાલે છે ચાલવા દો! મારા એકથી શો ફરક પડવાનો? આ નકારાત્મક વિચારને દુર કરી દરેક માણસ જ્યારે સકારત્મક બનવા તરફ સાચી રીતે આગળ વધશે ત્યારે કોઈ નિયમની જરુર નહિ પડે
માણસ જો બેસી જ રહે તો કાર્યની શરુઆત ક્યારેય કરી શકે જ નહિ, તેમ વિચારોને ફક્ત વાચતો જ રહે તો ક્યારેય ખુદનું પરિવર્તન લાવી શકે જ નહિ. આ માટે તો પોતે જ એક પગલું આગળ ભરવું પડે. વિચારો,મૂલ્યો, આદર્શો કે સંસ્કારોને ફક્ત મગજ સુધી ન રાખતા તેને દિલ સુધી લઈ જવા પડે તો જ ખુદનું પરિવર્તન શક્ય બને છે. એક આદર્શ યુગના નિર્માણ માટે ભીતરથી બદલવું પડે, ભીતરની સકારત્મકતા સાચા અર્થમા મજબૂત કરવી પડે. દરેક માણસ ખુદથી જ્યારે સાચા અર્થમા બદલવાનો પ્રયત્ન કરશે ત્યારે સાચા અર્થમાં એક યુગ પરિવર્તન હશે. છેલ્લે યુગ પરિવર્તન એ માણસની વિચારધારા જ નક્કી કરતી હોય છે.
લી.વિજય દલસાણિયા (શિક્ષક)

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW