દેશની સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટેના ગેરકાયદે ધાર્મિક સંસ્થાનો દૂર કરવાના આદેશ મુજબ રાજ્યના ગૃહખાતાએ મોરબી પાલિકાને ગેરકાયદે ધાર્મિક સંસ્થાનોનો સર્વે કરી કાર્યવાહી કરવાનો પરીપત્ર પાઠવતા મોરબી નગરપાલિકાએ ધાર્મિક સંસ્થાનોનો સર્વે કરતા 49 જેટલા ધાર્મિક સંસ્થાનો ગેરકાયદે હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવતા આ તમામ સંસ્થાનોને નોટિસ પાઠવી આધાર પુરાવા માંગ્યા છે અને પુરાવા રજૂ ન કરી શકે તો સ્વૈચ્છિક રીતે હટી જવાની તાકીદ કરી છે.
મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરીયાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગના પરિપત્રો મુજબ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સહિતની ટીમો દ્વારા પાલિકાના હદ વિસ્તારમાં જાહેર રોડ કે જાહેર ચોકમાં ગેરકાયદે દબાણ રૂપે રહેલા તમામ ધર્મના ધાર્મિક સંસ્થાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાહેર રોડ ઉપર અને જાહેર સ્થળોએ 49 જેટલા ધાર્મિક સંસ્થાનોનો પ્રાથમિક દ્રષ્ટિએ ગેરકાયદે લાગ્યા હતા. આથી ખરેખર આ ધાર્મિક સંસ્થાનો કાયદેસરના છે કે કેમ તે જાણવા માટે 49 ધાર્મિક સંસ્થાનોને પુરાવા, દસ્તાવેજો રજૂ કરવાની તાકીદ કરી છે. હિયરિંગ દરમિયાન એક ધાર્મિક સ્થળના એડવોકેટ જવાબ આપવા માટે હાજર રહ્યા હતા. જો કે આ ધાર્મિક સ્થળોમાં મંદિર, મસ્જિદ, દરગાહ સહિત તમામ ધર્મના સ્થાનકો આવી જાય છે.