Tuesday, October 28, 2025
HomeGujaratલોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહી મતદારો નિરુત્સાહી ?

લોકશાહીના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહી મતદારો નિરુત્સાહી ?

વિશ્વના દેશોમાં ભારત દેશની અને ભારતની લોકશાહીની બોલબાલા છે,છેલ્લા ઘણા સમયથી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 ને ધ્યાનમાં લઈ આચારસંહિતા અમલી બન્યા પહેલાં સમગ્ર દેશનું વહીવટી તંત્ર વિકાસના કામોને બાજુએ મૂકી ચૂંટણી કામગીરીમાં ખડેપગે લાગી ગયું છે.એકબાજુ રાજનેતાઓએ મતદાતાઓને રીઝવવાના ભરચ્ચક પ્રયત્નો કર્યા,બીજીબાજુ ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓ મતદાન કરવા પધારે એ માટે તનતોડ મહેનત કરી,રેલીઓ કાઢી મીડિયાના માધ્યમ થકી અનેક નેતા અભિનેતાઓએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલો કરવામાં આવી, બીએલઓએ પોતાની મુખ્ય ફરજના ભોગે ઘરે ઘરે જઈને વોટર સ્લીપોનું વિતરણ કર્યું, હરીફ ઉમેદવારોના સુંદર મજાના ફોટાવાળી સ્લીપોનું વિતરણ પક્ષના કાર્યકર્તાઓએ કર્યું, પેજ પ્રમુખ,પેજ કમિટીએ પણ મતદારો સુધી પહોંચી મતદાન કરવા આહવાન કર્યું,જુદાં જુદાં અનેક સંગઠનોએ મતદાતા જાગૃતિ માટેની પત્રિકાઓ વિતરણ કરી,સ્ટીકરો લગાવ્યા,સંતો મહંતો, અગ્રણીઓએ પણ ખુબ જ અપીલો કરી ખૂબ બધો પ્રચાર પ્રસાર કર્યો, બુથ પર પણ જાનૈયાઓના સ્વાગત જેવી સ્વાગત થાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન,દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેરની વ્યવસ્થા અને લાવવા લઈ જવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી,આમ મતદાતાઓ માટે શક્ય એટલી તમામ વ્યવસ્થાઓ કરી હતી, ચૂંટણી પંચ બાણેજ અને સિયાળ બેટ જેવા એક મતદાર માટે પણ મતદાન માટે વ્યવસ્થા કરે છે,એક એક મત માટે ખૂબ મોટો ખર્ચ કરે છતાં ત્રીજા તબક્કાના મતદાનના આંકડા જોતાં આ તમામ પૂર્વ તૈયારીઓની મતદાતાઓ પર અસર ન થઈ હોય એવું જોવા મળ્યું છે,ગત ચૂંટણીની સરખામણીમાં તમામ જગ્યાએ ઓછું એટલે કે સરેરાશ 55% થી 60% જેટલું મતદાન થયું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
ઓછું મતદાન થવા પાછળ ઘણા બધા ચિંતન,મનન અને મનોમંથન કરતા અનેક કારણો સામે આવી રહ્યા છે,જેમકે જે કંઈ મતદાન થયું છે એ મોટાભાગનું મોટી ઉંમરના લોકોનું થયું છે, કહેવાતા ભણેલા ગણેલા મતદાનથી અળગા રહ્યા કારણ કે આ લોકો પોતાના મતદાન મથકથી દૂર વતનથી દૂર ધંધા રોજગારી અર્થે બહાર હોય છે એટલે આ લોકો પોતાનો કિંમતી મત આપવા આવતા નથી. આ કહેવાતા ભણેલા ગણેલા લોકોને સરકારી સુવિધાઓ બધી જોઈએ છે પણ દેશ માટે મતદાન કરવાનો એમની પાસે સમય નથી.આજ વ્યક્તિ ટાઈમ,ટિફિન અને ટીકીટ ખર્ચીને ક્રિકેટ મેચ જોવા જશે,ફિલ્મ જોવા જશે પણ મતદાન કરવાનો એમની પાસે ટાઈમ નથી.આજ વ્યક્તિ ક્રિકેટ મેચની અને ફિલ્મની ટીકીટ લેવા લાંબી કતારમાં ઉભો રહેશે પણ મતદાન કરવા લાઈનમાં નથી રહેવું,વળી,હાલ મોટાભાગના ગામડાઓ ખાલી થઈ ગયા છે યુવાનો હાલ બહાર વસવાટ કરી રહ્યા છે,પોતાનું નામ જે તે વતનના ગામની મતદારયાદીમાં પોતાનું નામ રાખે છે.પણ ચૂંટણીમાં મતદાન કરવા આવતા નથી એના કારણે મતદાન ઓછું થાય છે. મતદાન કરતી વખતે મતદાતાઓએ ફોટો ઓળખકાર્ડ સાથે લાવવાનું હોય છે પણ ઘણાં મતદારો આવું આઈડી લાવવાનું ભૂલી જતા હોય છે,પરિણામે વોટર્સ વોટિંગ કર્યા વગર પાછો જાય છે,આ કારણે વોટિંગ ઓછું થાય છે,ઘણો બધો નોકરિયાત વર્ગ ચૂંટણી ફરજમાં તેમજ પોતાના વતનથી દૂર ફરજ બજાવતો હોય આ લોકો પણ પોતાની અન્ય સ્થળે ફરજના કારણે ચૂંટણી પંચે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરેલ હોવા છતાં કોઈને કોઈ કારણોસર મતદાન કરી શકતા નથી જેના લીધે પણ મતદાન ઓછું થાય છે. બહેનો માટે સરકારશ્રી દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ તેમજ ચૂંટણીમાં 33% અનામતની જોગવાઈ કરી હોવા છતાં જેટલું મતદાન થયું છે એમાં બહેનોનું મતદાન પુરુષોની સરખામણીએ ઓછું થયું છે.વળી ઘણા કિસ્સામાં મતદાતાનું નામ બે જગ્યાએ પણ ચાલતું હોય છે પરિણામે મતદાતા એક જગ્યાએ મતદાન કરે છે અને એક જગ્યાએ મતદાન થતું નથી,આવા અનેક કારણોસર મતદાન ઓછું થયું હોય હવે વન નેશન,વન ઇલેક્શન અને ફરજીયાત મતદાન નો સમય પાકી ગયો હોય એ દિશામાં આગળ વધવું આવશ્યક છે,તેમજ યુવા અને એજયકેટેડ વોટર્સ માટે ઓનલાઈન વોટિંગની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે,તો અને તો જ લોકશાહીનો આધારસ્તંભ મતદાન વધુ થઈ શકશે અન્યથા ચૂંટણી પંચ ઉત્સાહી અને મતદારો નિરુત્સાહી રહેશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page