છાસવારે આખલા યુદ્ધથી લોકોના હોશકોશ ઉડી જતા હોવા છતાં તાબોટા પાડતું તંત્ર
મોરબીમાં હમણાંથી રઝળતા ઢોરોનો ત્રાસ એટલી બદલે બેકાબુ બન્યો છે કે જાહેર માર્ગ કે શેરી ગલીમાં નીકળતા લોકોની જરાય સલામતી રહી નથી. કારણ કે કઈ જગ્યાએથી અખલાઓ લડાઈ કરતા કરતા આવી પહોંચીને રસ્તે જતા લોકોને સામેથી કે પાછળથી કે ચારેકોર એટલે ગમે તે દિશામાંથી આવીને હડફેટે લેતા હોવાના અનેક બનાવ વચ્ચે ભરબજારમાં આખલા યુદ્ધે રસ્તે જતા નિર્દોષ મહિલાને હડફેટે લેતા સીધા જ હોસ્પિટલના બિછાને પહોંચી ગયા છે. આમ છતાં હજુ પણ તંત્રના પેટનું પાણી હલશે કે નહીં એ નક્કી નથી.
મોરબીમાં રઝળતા ઢોરનો લાંબા સમયથી સળગતો પ્રશ્ન છે. રઝળતા ઢોર એમાંય ખાસ કરીને પહાડી અને અલમસ્ત ખૂટીયાઓનો ત્રાસ એટલી હદે વધ્યો છે કે, દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ખુટીયાઓ દંગલ મચાવે છે અને નિર્દોષ લોકોને હાનિ પહોંચે છે. આમ છતાં તંત્ર પગલાં ન ભરતા ફરી એક વ્યક્તિ સાથે અઘટિત ઘટના બની હતી. જેમાં શહેરના ગિચોગીચ એટલે અતિશય ટ્રાફિક ધરાવતા દરબાર ગઢ વિસ્તારમાં આવેલા ખત્રીવાડમાં રહેતા રેખાબેન શૈલેષભાઇ ડોડીયા ઉ.વ 50 વર્ષના મહિલા ગઈકાલે સાંજે ઘરેથી ચાલીને દરબાર ગઢ પાસે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અચાનક તેમના ઉપર ઘાત ઉતરશે ! આ મહિલા ચાલીને જતા હોય ત્યારે બે આખલાઓ અચાનક લડાઈ કરતા કરતા ત્યાં પહોંચીને આ મહિલાને હડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી તાકીદે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા હોય આયસીયુમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મહિલાને હેમરેજ, ખૂટીયાઓના આંતકથી લોકોની સલામતી રામભરોસે
મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, તેમના પિતા દરબાર ગઢમાં નોકરી કરે છે અને બેય પુત્રો અલગ અલગ વ્યવસાય કરે છે. જ્યારે માતા ગૃહ કાર્ય કરે છે અને માતાને આખલાએ ગંભીર ઇજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પણ માતાના ભાગે નીચે પટકાયા હોવાથી ગંભીર ઇજા થતાં તેમને હેમરેજ થઈ ગયું છે. આથી કોઈને ઓળખતા પણ નથી. તેમની હાલત નાજુક હોવાથી ડોકટરોએ પાંચ દિવસ ફરજિયાત આયસીયુમાં રાખવાનું કહ્યું છે. મહિલાની હાલત ગંભીર હોય અને છાસવારે ખૂટીયાઓ આવા આંતક મચાવતા હોવા છતાં તંત્ર હાથ ઉપર હાથ ધરીને બેસી રહેતા લોકોની સલામતી રામભરોસે થઈ ગઈ છે.
મોરબી ૧૫ દિવસમાં રખડતા ઢોર પકડવાની કામગિરી ફરી શરૂ થશે
મોરબી પાલિકામાં રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ છે જોકે પાલિકા દ્વારા ૧૫ દિવસમાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરશે હાલ કામગીરીના વર્ક ઓર્ડર આપવાના બાકી છે પાલિકા વહેલી તકે રખડતા ઢોર ના ત્રાસમાંથી શહેરને મુક્તિ મળે તેવા પ્રયાસ કરશે ઈન્ચાર્જ ચીફ ઓફિસર ધાર્મિક ડોબરીયા એ જણાવ્યુ હતું