ધોરાજી શહેર નજીકથી પસાર થતી ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદ વડે તમામનાં મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર મૃતકનાં નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીના જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.